રવિવારે મુખ્યમંત્રી-નાણામંત્રી વચ્ચે બેઠક, બજેટને અપાશે આખરી ઓપ
કૃષિ-શિક્ષણ-આરોગ્ય-પાણીપુરવઠા માટે 10 ટકા સુધી વધુ જોગવાઇ થવાની શકયતા
19મીથી બજેટ સત્રનો પ્રારંભ, 20મીએ નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે બજેટ
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19મી ફેબ્રુઆરીથી મળશે. જેના બીજા દિવસે 20મીએ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ રજૂ કરશે. રાજ્ય સરકારના દરેક વિભાગોના બજેટ તૈયાર કરવાની ભરપૂર તૈયારીઓ લગભગ પૂરી થઈ ચૂકી છે. જેના અનુસંધાને 16મીને રવિવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને એક મહત્વની બેઠક યોજાશે.
જેમાં નાણાંમંત્રી અને નાણાં વિભાગના ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં ગુજરાત સરકારના વાર્ષિક બજેટને આખરી ઓપ અપાશે. જેમાં વિભાગો દ્વારા તૈયાર કરાયેલા બજેટમાં કેટલાક સંભવિત વધારા-ઘટાડા અને ત્યારબાદ આ બજેટને વિધાનસભામાં રજૂ કરવા માટેની લીલીઝંડી અપાશે.
સરકારના આંતરિક સૂત્રોની માહિતી છે કે, આ વખતે રાજ્ય સરકાર તેના ચાલુ નાણાંકીય વર્ષ 2024-25ના કુલ રૂૂપિયા 3.20 લાખ કરોડના બજેટમાં લગભગ 12 ટકાનો વધારો કરીને વર્ષ 2025-26 માટે કુલ રૂૂ. 3.72 લાખ કરોડની આસપાસની રકમનું બજેટ રજૂ કરશે. જેમાં ખાસ કરીને કૃષિ, શિક્ષણ, આરોગ્ય, પાણી-પુરવઠા, સિંચાઈ સહિતના મહત્વના વિભાગોના બજેટમાં 10 ટકા જેટલો વધારો કરે તેવી શક્યતા છે. દર વર્ષે ફેબ્રુઆરીના મધ્ય કે અંતમાં રાજ્ય વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે નાણાંમંત્રી દ્વારા રાજ્ય સરકારનું વાર્ષિક બજેટ રજૂ કરાય છે. જેમાં બજેટનું કુલ કદ મોટું દર્શાવાય છે અને વર્ષના અંત સુધીમાં બજેટમાં દર્શાવાયા મુજબની આવકો કે ખર્ચ થતા નથી એટલે ફરીથી નાણાંમંત્રી દ્વારા પૂરક ખર્ચ બજેટ રજૂ કરીને બંધબારણે બજેટનું કુલ કદ ઘટાડી દેવાય છે.
આ વખતે સ્થિતિ એવી છે કે, ગુજરાત સરકાર વર્ષ 2024-25ના બજેટમાં કુલ રૂૂ. 3.20 લાખ કરોડનું કદ દર્શાવાયું હતું. જેમાં મહેસૂલી આવક રૂૂ. 2,29,653 કરોડ, મૂડી આવક રૂૂ. 69,709 કરોડ મળીને કુલ આવક રૂૂ. 2,99,362 કરોડ દર્શાવાઈ હતી. મહેસૂલી ખર્ચ રૂૂ. 2,19,831 કરોડ અને મૂડી ખર્ચ રૂૂ.75,688 કરોડ મળીને કુલ ખર્ચ રૂૂ. 2,95,520 કરોડ દર્શાવાયો હતો. હવે એપ્રિલથી ડિસેમ્બર-2024 સુધીના 9 માસમાં રાજ્ય સરકારની કુલ મહેસૂલી આવક રૂૂ. 1,53,871 કરોડ થઈ છે. જે રાજ્ય સરકારે તેના વર્ષ 2024-25ના બજેટમાં દર્શાવેલી મહેસૂલી આવકના 67 ટકા જેટલી છે. સરકારે વર્ષ 2024-25માં જે કુલ આવક દર્શાવી હતી, તેની સામે કુલ 1,70,562 કરોડની એટલે કે આ 9 માસમાં 57 ટકા જ આવક થઈ છે.
એવી જ રીતે, સરકારે તેના 2024-25ના બજેટમાં જે કુલ ખર્ચ રૂૂ. 2,95,520 કરોડ દર્શાવ્યા હતા. તેની સામે આ 9 માસમાં 1,68,095 કરોડનો એટલે કે બજેટના અંદાજની સામે 57 ટકાનો ખર્ચ થયો છે. જેનો સીધો અર્થ એ તારવી શકાય કે, રાજ્ય સરકારે તેના 2024-25ના બજેટમાં કુલ આવકો અને કુલ ખર્ચના જે અંદાજ દર્શાવ્યા હતા. તેની સામે 43 ટકા જેટલો બાકી છે એટલે કે આ વખતે પણ બજેટના અંદાજ મુજબની આવક પણ નહીં થાય અને ખર્ચ પણ નહીં થાય અર્થાત આ વખતે પણ શક્ય છે કે, પૂરક બજેટમાં 2024-25ના બજેટના દર્શાવાયેલા રૂૂ. 3.20 લાખ કરોડના કુલ કદમાં ઘટાડો થઈ શકે છે.
