મેડિકલ કોલેજના ‘ગુટલીબાજો’ હાજર, દર્દીઓને મોટી રાહત
સરકારી પગાર લઈ ખાનગી હોસ્પિટલમાં કામ કરતા દોઢ ડઝન તબીબો ‘ડાહ્યા ડમરા’ થઈ ફરજ પર લાગી ગયા
કમિટિ દ્વારા તપાસનો ધમધમાટ, ગુટલીબાજ ડોક્ટરોના નિવેદનો લેવાનું શરૂ, સોમવાર સુધીમાં સોંપાશે રિપોર્ટ
રાજકોટની મેડીકલ કોલેજમાં વિવિધ વિભાગોના 19 જેટલા તબીબો ચાલુ સરકારી પગારે ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી ધિકતી કમાણી કરતા હોવાનો ‘ગુજરાત મિરરે’ ઘટસ્ફોટ કર્યા બાદ રાજ્યના આરોગ્ય મંત્રાલય સુધી ઘેરા પડઘા પડ્યા હતાં અને ગઈકાલે આખો દિવસ તપાસનો ધમધમાટ ચાલતા તમામ ગુટલીબાજ ડોક્ટરો તાબડતોબ મેડિકલ કોલેજમાં ફરજ ઉપર હાજર થઈ ગયા હતાં.
બીજી તરફ આ કરતુતોનો ભાંડો ફૂટતા પીડીયુ મેડિકલ કોલેજના ડીન અને સિવિલ હોસ્પિટલના તબીબી અધ્યક્ષ તરીકે લેખિત પરિપત્ર બહાર પાડી પીડીયુ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા તમામ અધિકારીઓ તથા તમામ રેસીડેન્ટ ડોક્ટર્સ ફરજ સમય દરમિયાન પોતાના વિભાગમાં ફરજ પર હાજર રહે તે અંગેની દેખરેખ રાખવાની જવાબદારી જે તે વિભાગના વડા ઉપર નાખી છે.
ગુરૂવારે ગુજરાત મિરરમાં મેડિકલ કોલેજના તબીબો ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ લાંબા સમય પછી ગઈકાલે શુક્રવારથી જ ગુટલીબાજ ડોક્ટરો મેડિકલ કોલેજમાં પોતપોતાના વિભાગોમાં ડાહ્યા ડમરા થઈને ફરજ ઉપર લાગી ગયા હતાં અને આજે પણ સવારથી જ તમામ ડોક્ટરો ફરજ ઉપર આવી જતાં દર્દીઓમાં રાહતની લાગણી જન્મી છે.
ખાસ કરીને રેડિયોલોજી વિભાગમાં દર્દીઓના રિપોર્ટ તબીબોની ગેરહાજરીના કારણે લાંબો સમય સુધી મળતા ન હતાં પરંતુ આજથી તમામ દર્દીઓના રિપોર્ટ ફટાફટ મળવા લાગતા દર્દીઓને વધારાના ધક્કા ખાવામાંથી છુટકારો મળ્યો છે.
આ ગુટલીકાંડમાં ગઈકાલે મેડિકલ કોલેજના ડીન દ્વારા પાંચ સિનિયર તબીબોની કમિટિ બનાવીતપાસ સોંપવામાં આવી છે. અને ગાંધીનગર આરોગ્ય મંત્રાલય દ્વારા પણ ગુટલીકાંડનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો હોય, તપાસનીસ કમિટિ જવાબદારી ડોક્ટરોના નિવેદનો નોંધી રહી છે. અને રિપોર્ટ તૈયાર કરી આજે સાંજે અથવા સોમવાર સુધીમાં ડીનને સુપ્રત કરનાર હોવાનું જાણવા મળે છે.