મારી આવનારી જિંદગીમાં પણ તમે જ મારા માતા-પિતા બનજો
લંડન દીકરીને મળવા જતા વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા દંપતીની દીકરીનો હૈયુ હચમચાવતો પત્ર
અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ અહ-171 અમદાવાદ એરપોર્ટથી ટેક ઑફ કર્યાંની થોડીક જ મિનિટ બાદ ક્રેશ થઇ ગઇ હતી.
આ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના વડોદરાના 27 યાત્રીઓએ જીવ ગુમાવ્યા હતા. જેમાં વડોદરાના વાસણા રોડ ખાતે રહેતા દંપતીએ પણ જીવ ગુમાવતા ત્રણ પુત્રીઓએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. માતા પિતા સાથે વાત ના કરી શકતા પુત્રીએ મૃતક માતા પિતાને સંબોધી એક ચિઠ્ઠી લખી અને ચિઠ્ઠીમાં પુત્રીએ પોતાની વેદના વ્યક્ત કરી છે. પુત્રીએ લખેલ ચિઠ્ઠીના શબ્દો વાંચી તમારા પણ આંખમાં આશું આવી જશે.
વડોદરા શહેરના વાસણા વિસ્તારમાં આવેલ શબરી સ્કૂલની પાછળ આવેલ શિવશક્તિ સોસાયટીમાં રહેતા વલ્લભભાઈ અને તેમના પત્ની વીણાબેન લંડન ખાતે સ્થાઈ થયેલ પુત્રી હિરલ અધેડા અને તેમના બાળકો વારંવાર નાના નાનીને પોતાના ઘરે લંડન આવવા જીદ કરતા હોય વલ્લભભાઈ અને તેમના પત્ની વીણાબેને પુત્રીના ઘરે લંડન જવાનો નિર્ણય કરી વિઝા માટે અરજી કરતા દંપતીને વિઝા મળી જતા તેઓ પુત્રીના ઘરે લંડન જવા માટે અમદાવાદ થી એર ઈન્ડિયાની અહ-171 ફ્લાઇટમાં 12 જૂનની ટિકિટ બુક કરાવી હતી. પુત્રી હિરલ અધેડા અને તેમના બાળકો નાના નાની ઘરે આવવાના હોય ખુબ ખુશ હતા અને લંડનમાં માતા પિતાને અલગ અલગ સ્થળો પર ફરવા લઇ જવાનો પ્લાન પણ બનાવી દીધો હતો. પરંતુ એક ધડાકાએ ખુશીને માતમના અવસરમાં ફેરવી દીધી.
વલ્લભભાઈ અને વીણાબેન પુત્રીને મળવા લંડન જઈ રહ્યા હતા. જોકે અમદાવાદ એરપોર્ટથી પ્લેન ટેક ઑફ કર્યાંની થોડીક જ મિનિટ બાદ પ્લેન ક્રેશ થઇ જતા વલ્લભભાઈ અને વીણાબેનનો જીવન દીપ ભુંજાઈ ગયો હતો. ઘટનાની જાણ પરિવારજનોને થતા ઘરમાં માતમ છવાઈ ગયો હતો. માતા પિતા લંડન આવવાના બદલે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દુનિયા છોડી દેતા પુત્રીને વડોદરા આવવું પડ્યું અને માતા પિતાના મૃતદેહને મેળવવા DNAઆપવા પડ્યા. પિતા વલ્લભભાઈ અધેડાનો DNAથી મૃતદેહ મળી આવ્યો છે. પરંતુ હજી વીણાબેનનો મૃતદેહ DNA મેચના થતા મળ્યો નથી. ત્રણેય પુત્રીઓ માતાના મૃતદેહ મળવાની રાહ જોઈ રહી છે અને માતા પિતાના એક સાથે અંતિમ સંસ્કાર કરવાની ઈચ્છા ધરાવે છે.
લંડન ખાતે રહેતી પુત્રી માતા પિતા સાથે વાત ના કરી શકતા માતા પિતાને સંબોધી એક પત્ર લખ્યો છે જેમાં લખ્યું છે કે, પ્રિય મમ્મી અને પાપા, જેમ માતા-પિતા પોતાના બાળકો પર ગૌરવ અનુભવતા હોય છે, તેમ જ હું પણ મારા માતા-પિતાઓ પર ખૂબ ગૌરવ અનુભવું છું. તમે બંને કેટલી અદભુત જિંદગી જીવી છે! તમે બંને સાચા અર્થમાં સ્વઅર્ધિત વ્યક્તિઓ છો. તમે હંમેશા કહેલું કે, અમે બધું પોતે કરીશું, અને તમે તે સાબિત પણ કર્યું. તમારી સૌથી મોટી ચિંતા એ હતી કે, જો તમારામાંથી કોઈ એક પહેલો જશે તો બીજાનું શું થશે... અને એવું લાગે છે કે કિસ્મતે તેનો જવાબ આપી દીધો અને તમે બંનેને સાથે લઈ ગઈ. પણ, તમે મને 12મી જૂને વચન આપ્યું હતું કે આપણે સાંજમાં મળશું... અને એ સાંજ ક્યારેય આવી જ નહીં! હું ઈચ્છું છું કે તમે બંને મારા માતા-પિતા તરીકે તમામ આવનારી જિંદગીઓમાં હોવ. તમારી પ્રેમાળ દીકરી, હિરલ અઘેડા
આ ચિઠ્ઠીના શબ્દો તમારી આંખમાં આંસુ લાવી દેશે. આવા તો અનેક પરિવાર છે જેમની ખુશી માતમમાં ફેરવાઈ છે. અધેડા પરિવાર કહે છે કે જીવનમાં 12 જૂન ક્યારેય નહીં આવવો જોઈએ.
અડવાળાના હાર્દિકભાઇનો મૃતદેહ વતન પહોંચતા ગ્રામજનો હિબકે ચડયા
અમદાબાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હાર્દિકભાઈ અવૈયાનો મૃતદેહ બોટાદના અડતાળા લાવવામાં આવ્યો હતો. હાર્દિકનો મૃતદેહ ઘરે પહોંચતા પરિવારમાં ભારે આક્રંદ છવાયો હતો. દીકરાના લાશ જોતા જ પરિવાર ઉપર આભ ફાટ્યું હતું. હાર્દિકને લંડન અભ્યાસ માટે તેના પિતા દેવરાજભાઈ અવૈયાએ જમીન વેચીને મોકલ્યો હતો. હાર્દિકભાઈ અવૈયા છેલ્લા ત્રણ વર્ષથી લંડનમાં અભ્યાસ અને નોકરી કરતા હતા. દેવરાજભાઈને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ છે, જેમાં હાર્દિક સૌથી નાના હતા. હાર્દિકભાઈ તાજેતરમાં જ વતનમાં આવ્યા હતા. કારણ કે તેમનું કામરેજ તાલુકાના વિભૂતિબેન પટેલ સાથે સગાઈ નક્કી થઈ હતી. દીકરાના આગમનથી પરિવારમાં ખુશીનો માહોલ હતો, પરંતુ વિમાન દુર્ઘટનાએ આ ખુશીને માતમમાં ફેરવી દીધી. હાર્દિકભાઈની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને સગા-સંબંધીઓ હાર્દિકભાઈને અંતિમ વિદાય આપવા ઉમટી પડ્યા હતા. આ દુ:ખદ પ્રસંગે ગઢડા મામલતદાર, પોલીસ ટીમ અને મેડિકલ ટીમ પણ હાજર રહી હતી.