હડાળાના પાટિયા પાસે પ્લાયવુડ ફેકટરીમાં ભીષણ આગ
વહેલી સવારે આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરી: ફાયરબ્રિગેડે જાહેર કર્યો મેજર કોલ, પાંચ ટીમોએ આગ ઓલવવા હાથ ધર્યા પ્રયત્નો, આખી ફેકટરી બળીને ખાક
રાજકોટની ભાગોળે મોરબી રોડ પર હડાળાના પાટીયા પાસે આવેલી પ્લાયવુડની ફેકટરીમાં ભિષણ આગ ભભૂકી ઉઠી હતી. વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં ફેકટરીમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને પગલે દુર દુર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. બનાવની જાણ થતા રાજકોટ ફાયર બ્રિગેડની પાંચ ટીમો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગય હતી અને પાણીનો મારો ચલાવી આગ ઓલવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. જો કે, પાંચ કલાક બાદ પણ આગ ચાલુ હોવાનુ જાણવા મળ્યુ છે. આગમાં સંપૂર્ણ ફેકટરી લપેટમાં આવી જતા બળીને ખાક થઇ ગઇ હતી. જો કે સદ્નશીબે આગ લાગી ત્યારે ફેકટરી બંધ હોવાથી કોઇ જાન હાની થવા પામી ન હતી.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ મોરબી હાઇવે પર હડાળાના પાટીયા પાસે મારવાડી કોલેજની બોયર્સ હોટેલ પાસે આવેલી શીવ પ્લાયવુડ નામની ફેકટરીમાં વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં આગ ભભૂકી ઉઠી હતી. ફેકટરીમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના કાળા ડિંબાગ ગોટેગોટાથી જોવા મળ્યા હતા. બનાવની જાણ થતા રાજકોટ ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને રાજકોટના રામાપીર ચોકડી, બેડીપરા, રેલનગર અને ઇઆરસી સ્ટેશનેથી પાંચ ફાયર ફાઇટરની ટીમો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા.
ફાયર ઓફિસર દિનેશ ચાચીયાના જણાવ્યા મુજબ પ્લાયવુડની ફેકટરી ચાર વિધા જેટલી વિશાળ જમીનમાં પથરાયેલી હોય અને આગ સંપૂર્ણ ફેકટરીમાં પ્રસરી જતા વિશાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. ફાયર બ્રિગેડના પાંચ ફાયર ફાઇટર દ્વારા પાણીનો મારો ચલાવવા છતા આગ કાબુમા ન આવતા પાણી ખુટી પડ્યો હતુ. જેથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ફેકટરીની બાજુમાં આવેલી મારવાડી કોલેજની બોયર્સ હોસ્ટેલમાં ફાયર સીસ્ટમ લગાવેલી હોય તેનો ઉપયોગ કરી ત્યાથી ફાયર ફાઇટરના 15થી 20 ફેરા મારવામાં આવ્યા હતા.
આમ છતા સવારે 10 વાગ્યા સુધી આગ ચાલુ હોવાનું જાણવા મળ્યુ છે.પ્રાથમિક તપાસમાં શિવ પ્લાયવુડના માલિક વિપુલભાઇ વેલજીભાઇ પાનસુરીયા હોવાનુ અને તેઓ રાજકોટ સંત કબીર રોડ પર રહેતા હોવાનુ જાણવા મળ્યુ છે. ફેકટરીમાં આગ લાગ્યા હોવાની જાણ થતા માલિક પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયુ નથી અને આગમાં કેટલુ નુકસાન થયુ તેનો આંકડો પણ સામે આવ્યો નથી જોકે, આગમાં સંપૂર્ણ ફેકટરી બળીને ખાક થઇ ગઇ હોય કરોડોનુ નુકસાન થયાનો અંદાજ સેવાઇ રહ્યો છે. આ લખાય છે ત્યારે હજૂ ફેકટરીમાં આગ ચાલુ હોય ફાયરના જવાનો દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી હોવાનુ જાણવા મળ્યુ છે.