રીબડામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
ગોંડલ-ગુંદાસરા રોડ પર આવેલી માધવ પોલીમર્સ નામની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગતા જોતજોતામાં આગની જવાળાઓ આકાશને આંબવા લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે તેના પર કાબૂ મેળવવા માટે ત્રણ જુદા-જુદા સ્થળો પરથી ફાયર ફાઈટરની મદદ લેવી પડી હતી.ગોંડલ, શાપર અને રાજકોટનાં ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી મહામુશીબતે આગ કાબુમાં લેવાઇ હતી.
પ્રાપ્ત વિગત મુજબ રીબડા ગુંદાસરા વચ્ચે આવેલા ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં રાજકોટનાં યુનિવર્સીટી રોડ પર રહેતા મીરાબેન સંદીપભાઈ પટેલની માલિકીની પ્લાસ્ટિકનાં ગઠ્ઠા તથા દાણાંને રિપ્રોસેસ કરતી ફેકટરીમાં સવારે છનાં સુમારે આગ લાગી હતી.આગનાં લબકારા અને ધુવાડાનાં ગોટાએ આકાશને ધુંધળુ કરી મુક્યું હતું.બનાવનાં પગલે ગોંડલ, રાજકોટ, શાપરનાં ફાયર બ્રિગેડને જાણ કરાતા પાંચ ફાયર ફાઇટરો અને 25 જેટલા ફાયર જવાનો ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવ્યો હતો. આગના કારણે ફેક્ટરીમાં રહેલો પ્લાસ્ટિકનો જંગી જથ્થો ઝડપથી સળગવા લાગ્યો હતો.અને કરોડો રુપીયાની નુકસાની થવા પામી છે. શોર્ટ સર્કીટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન કરાયુ છે.