અંકલેશ્વરની GIDCમાં ભીષણ આગ, સાત કલાક બાદ મેળવ્યો કાબૂ, એકનું મોત
અંકલેશ્વરની પાનોલી GIDCમાં આજે (14મી એપ્રિલ) સવારે એક મોટી દુર્ઘટના બની હતી. જલ એકવા કંપનીમાં અચાનક વિકરાળ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક કામદારનું મોત થયું છે. આગ એટલી વિકરાળ હતી કે, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધીજોવા મળ્યા હતાં. આ ઘટનાની જાણ થતાં જ આઠ ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમના સતત સાત કલાક સુધી પ્રયાસ બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.
મળતી માહિતી મુજબ, અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલી જલ એકવા કંપનીમાં અચાનક આગ લાગી હતી. આ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ કે, કંપની બળીને ખાખ થઈ ગઈ છે, આ આગમાં મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તો પોલીસે પણ ઘટના સ્થળે જઈને વધુ તપાસ હાથ ધરી છે, ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. સમગ્ર પ્લાન્ટ આગની ઝપેટે આવી ગયો હતો.
ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યા બાદ કુલિંગની પ્રક્રિયા પૂર્ણ કરી તે સમયે એક મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ કંપનીના કામદારનો છે અને ગંભીર રીતે દાઝી જતાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ મામલે જીઆઇડીસી પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.