અંકલેશ્વર GIDCની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં ભયંકર બ્લાસ્ટ, ચાર કામદારોના મોત
અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી મોટી દુર્ઘટના બની છે. ભરૂચની અંકલેશ્વર GIDCમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં ચાર કામદારોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય કામદારો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.
આ ઘટના અંગેની મળતી વિગતો અનુસાર, અંકલેશ્વર GIDCમાં ડેટોક્સ ઈન્ડિયા નામની કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન કંપનીના એમ.ઇ.પ્લાન્ટમાં સ્ટીમ પ્રેસર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. કંપનીમાં બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. ધડાકા સાથે બ્લાસ્ટ થતા નજીકમાં કામ કરતાં ચાર કામદારોના મોત થયાં છે. આ મામલે ફેક્ટરી ઈન્સપેક્ટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
આ ઘટનાની જાણ થતા જ ફાયર ફાયટરો તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. બ્લાસ્ટની માહિતી મળતા જ લોકોના ટોળા કંપની બહાર એકઠા થયા હતાં.