આણંદના કરમસદ પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસ: કેન્દ્રના 50 વ્યક્તિના સ્ટાફને તાત્કાલિક સસ્પેન્ડ કરાયા
આણંદમાં કરમસદ પરીક્ષા કેન્દ્રમાં ધોરણ 12ની પરીક્ષા દરમિયાન માસ કોપી કેસની ઘટના બહાર આવી છે. અહી વિદ્યાર્થીઓને કોપી કરાવતા પરીક્ષા કેન્દ્રના 50 કર્મીઓ સસ્પેન્ડ કરી દેવાયા છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને બારીમાંથી જવાબ લખાવ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલો સામે આવતા DEOએ તપાસના આદેશ આપ્યા છે. શિક્ષણ અધિકારીને જોઈ અજાણ્યો યુવક ભાગી જતા જિલ્લા શિક્ષણ અધિકારીએ કાર્યવાહી કરી છે. પરીક્ષા કેન્દ્રના 50 વ્યક્તિના સ્ટાફને સામૂહિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજના પેપરમાં નવા સ્ટાફ સાથે પરીક્ષા શરૂ કરવામાં આવી છે.
રાજ્યમાં બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે આણંદના કરમસદ પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસની ઘટના સામે આવી છે. પરીક્ષા કેન્દ્રના 50 વ્યક્તિના સ્ટાફને સામૂહિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મળતી વિગતો મુજબ પરીક્ષામાં કોઇ ગેરરીતી નથી થઇ રહે તેની તપાસ માટે જિલ્લા શિક્ષણ અધિકારી કેન્દ્રની મુલાકાતે નીકળ્યા હતા. દરમિયાન કરમસદ પરીક્ષા કેન્દ્રમાં ગેરરીતી થતી હોવાનું તેમના ધ્યાને આવ્યુ હતું. આ પરીક્ષા કેન્દ્રમાં બારીમાંથી કોઇ જવાબ લખાવી રહ્યુ હોવાનું સામે આવતા અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા.