30મીએ શહીદ દિન, રાજ્યભરમાં સવારે 11 વાગ્યે બે મિનિટ મૌન પળાશે
શૈક્ષણિક સંસ્થાઓ, બોર્ડ-કોર્પોરેશનમાં વકતવ્ય, સંવાદ, કાર્યક્રમો યોજવામાં આવશે
રાજ્યમાં 30 જાન્યુઆરીએ શહીદ દિને સવારે 11.00 કલાકે બે મિનિટ મૌન પાળી દેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદ વીરોને માન અર્પણ કરાશે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ અપીલ કરવામાં આવી છે.
જે સ્થળે સાયરન કે સેનાની તોપની વ્યવસ્થા હોય ત્યાં સવારે 10.59 થી 11.00 કલાક સુધી સાયરન વગાડી કે તોપ ફોડી બે મિનિટ માટે મૌન પાળવા સૂચના અપાશે. સાયરન બંધ થાય કે તુરંત જ જ્યાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી મૌન પાળશે અને રસ્તાઓ પરના વાહનવ્યવહાર શક્ય હોય ત્યાં સુધી થોભે તે જોવા વિનંતી કરવામાં આવી છે.
બે મિનિટ બાદ મૌનનો સમય પૂરો થાય એટલે 11.02 થી 11.03 કલાક સુધી સાયરન ફરીથી વાગશે ત્યારે રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂૂ કરવાનું રહેશે. જે સ્થળોએ સાયરન અથવા અન્ય કોઇ સંકેતની વ્યવસ્થા નથી ત્યાં સવારે 11.00 કલાકે બે મિનિટ મૌન પાળવા માટે સંબંધિતોને જાણ કરવામાં આવશે. દેશના ગૃહ મંત્રાલય દ્વારા શહીદ દિનનું મહત્વ સમજાય અને યોગ્ય રીતે આ દિવસ મનાવાય તે માટે રાજયની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, બોર્ડ-કોર્પોરેશન વિગેરેમાં દેશની સ્વતંત્રતા અંગેના વકતવ્ય, સંવાદ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા જણાવાયું છે.આ ઉપરાંત પ્રસારણ ક્ષેત્રના યુનિટો દ્વારા ભારતીય સ્વતંત્ર્યતા સંગ્રામમાં શહીદ વીરોની ભૂમિકા અને રાષ્ટ્રિય એકતા જેવા વિષયો પર સાંસ્કૃતિક કાર્યક્રમ, ફિલ્મ કે વૃત્ત ચિત્રોનું આયોજન કરવાનું રહેશે. રાજયના વિવિધ વાણિજય અને ઉદ્યોગ સંઘ પણ સન્માન સાથે શહીદ દિન મનાવે તે માટે રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જણાવાયું છે.