સંતોષીનગરમાં પરિણીતાએ ફાંસો ખાઇ જિંદગીનો અંત આણ્યો
આપઘાતનું કારણ અકબંધ: પતિ યાર્ડમાં ખરીદી કરવા ગયા બાદ પગલુ ભર્યું
શહેરમાં પોપટપરા નાલા પાસે આવેલ ઝુપડામાં 22 વર્ષીય પરિણિતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. હજુ ચારેક મહિના પહેલા જ દયા ઉધરેજીયાએ ભાગીને લખન સાથે લવ મેરેજ કર્યાં હતા. પરિણીતાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં પોપટપરા નાલા પાસે આવેલ ઝુપડામાં રહેતી દયાબેન લખનભાઈ ઉઘરેજીયા નામની 22 વર્ષની પરિણીતાએ આજે વહેલી સવારે ઝુંપડામાં ગળાફાંસો ખાઈ લેતા 108ના ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરતા પતિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળેલ કે, દયાએ અગાઉ ભુપગઢના યુવાન સાથે લવ મેરેજ કર્યા હતા. પહેલા લગ્નથી તેને પાંચ વર્ષનો પુત્ર છે. જે પછી લખનનો સંપર્ક ઇન્સ્ટાગ્રામ મારફત દયા સાથે થયો હતો.
દયા લખનની કૌટુંબિક ભાણેજ પણ થતી હોય, બંને સંપર્કમાં આવ્યા બાદ પ્રેમ સંબંધ બંધાતા હજુ ચાર માસ પહેલા જ બંનેએ ભાગીને લગ્ન કર્યા હતા. આપઘાતનું કારણ ઘરકંકાસ છે કે, પછી અન્ય કોઈ કારણ છે તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દયાના માવતરના સભ્યો ભગવતીપરામાં રહેતા હોય તેઓને જાણ કરાઈ હતી.