પતિના જેઠાણી સાથેના આડા સંબંધથી કંટાળી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
પડધરીના ખોડા પીપળ ગામની ઘટના; મહિલાએ ફિનાઈલ પી લેતાં સારવારમાં ખસેડાઈ
મોરબીના મોણપર ગામે સાસરીયુ ધરાવતી અને હાલ પડધરીના ખોડાપીપર ગામે માવતરે રહેતી પરિણીતાએ પતિના જેઠાણી સાથેના આડા સંબંધથી કંટાળી ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. મોરબીના મોણપર ગામે સાસરીયુ ધરાવતી અને પડધરીના ખોડાપીપર ગામે માવતરે રહેતી ઋત્વીબેન આયુષભાઈ મકવાણા નામની 24 વર્ષની પરિણીતા સવારના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
પ્રાથમિક પુછપરછમાં ઋત્વીબેન મકવાણા તેનો પતિ આયુષ મકવાણા છ દિવસ પૂર્વે જ માવતરે મુકી ગયો હતો. પતિ આયુષને તેની ભાભી સાથે આડા સંબંધ છે અગાઉ ઋત્વીબેન મકવાણાએ પતિને અગાઉ વાત કરતાં પકડી લીધો હતો. છ દિવસ પૂર્વે પતિ મુકીને જતાં રહેતાં ઋત્વીબેન અને તેનો ભાઈ જગદીશ ટંકારામાં આવેલા જ્યાં કારખાનામાં કામ કરે છે તે ઓરડીએ જઈને તપાસ કરતાં આયુષ મકવાણાએ દરવાજો નહીં ખોલતા ભાઈ બહેન ઘરે પરત ફર્યા હતાં અને ઋત્વીબેને પતિના જેઠાણી સાથેના આડા સંબંધથી કંટાળી ફિનાઈલ પી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
