ઇમ્પેકટનો લાભ લઇ અનેક ફસાયા : 1398 બાંધકામોને નહીં મળે ફાયર એનઓસી
વધારાનું બાંધકામ કર્યા બાદ 1482 આસામીઓએ ફાયર વિભાગમાં એનઓસી માટે અરજી કરેલ જે પૈકી 84ને જ મંજૂરી અપાઇ
રાજ્ય સરકાર દ્વારા અનઅધિકૃત બાંધકામો કાયદેસર કરવા માટે નિયમ હેઠળ ઇમ્પેકટ ફી કાયદો અમલમાં મૂકયો છે. જે અંતર્ગત વધારાના બાંધકામ કરનાર આસામીઓ પૈકી ફાયર એનઓસીમાં આવત હોય તેવા એકમોએ ઇમ્પેકટ ફીનો લાભ લઇ ફાયર એનઓસી માટે અરજી મૂકી હતી. પરંતુ ઇમ્પેકટ ફીમાં નિયમ મુજબ થયેલા વધારાના નવા બાંધકામો ફાયર એનઓસીના નિયમોમાં ફીટ ન બેસતા અનેક આસામીઓ હવે ફાયર ઓનઓસી મેળવવા માટે ઇમ્પેકટ ફીનો લાભ લઇ પસતાઇ રહ્યાનો અનુભવ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 1482 આસામીઓએ અરજી કરી હતી જે પૈકી ફકત 84 એકમોને મંજૂરી મળતા બાકી 1398 બાંધકામોમાં આસામીઓએ ફરિજયાત ફેરફાર કરવાની નોબત આવી છે.
રાજ્ય સરકારે ગેરકાયદેસર બાંધકામોને નિયત કરવા માટે ઇમ્પેકટ ફી કાયદો અમલમાં મૂકી પૈસા રળવાનું શરૂ કર્યુ હતું. જેના લીધે કોમર્શિયલ બાંધકામોમાં આંધાધૂંધી સર્જાઇ હોવાનું જાણવા મળેલ છે. રહેણાંકના એકમો માટે ઇમ્પેકટ ફી કાયદો ફાયદા રૂપ નિવડ્યો છે. પરંતુ કોમર્શિયલ બાંધકામોની પછેળી દબાણી હોય તેમ ઇમ્પેકટ ફીનો લાભ લઇ વધારાનું બાંધકામ કર્યા બાદ ફાયર એનઓસી માટે અરજી કરવામા આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા સ્થળ તપાસ દરમિયાન મોટાભાગના એકમોમા કરેલા વધારાના બાંધકામો ફાયર એનઓસીના નિયમોને અનુરૂપ ન હોવાથી ફાયર એનઓસી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. ગેમઝોન દુર્ઘટના બાદ સરકાર દ્વારા ફાયર સેફટીના નવા નિયમો અમલમાં મૂકયા છે.
તે સમયે ફાયર એનઓસી વિહોણા અનેક એકમો સીલ કરવામાં આવ્યા હતા. અને હવે ઇમ્પેકટ ફી હેઠળ થયેલા વધારાના બાંધકામો પૈકી અનેક બાંધકામોમા એકઝીટ ગેઇટ તેમજ ડબલ સીડી અને આગળ પાછળ મૂકવામાં આવતી જગ્યાઓ તેમજ બાંધકામોના ઇસ્યુ ઉભા થયા છે. જેના કારણે આ પ્રકારના બાંધકામોને ફાયર એનઓસી મળવા પાત્ર નથી.
ફાયર વિભાગના સત્તાવાર આંકડા મુજબ ઇમ્પેકટ ફીનો લાભ લેનાર 1482 આસામીઓએ ફાયર એનઓસી માટે અરજી કરી જે તમામની સ્થળ તપાસ બાદ ફાયર સફેટીના નિયમો મુજબ બાંધકામ હતું.
તેવા 84 એકમોને ફાયર એનઓસી ફાળવવામાં આવી છે. જયારે બાકી રહેતા 1398 બાંધકામોને ફાયર એનઓસીના નિયમો મુજબ વધારાના કરેલા બાંધકામોમાં ફેરફાર કરવાની સૂચના આપવામાં આવી છે.