ખંભાળિયામાં નદી વિસ્તારમાં કરાયેલા અનેક દબાણો હટાવાયા
- દબાણકર્તાઓએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણ દૂર કર્યા -
ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં સરકારી જમીનનો તેમજ નદીના વહેણ આડે અનેક આસામીઓ દ્વારા દબાણો કરવામાં આવ્યા હતા. આને અનુલક્ષીને પાલિકા તંત્ર દ્વારા નોટિસ ફટકારવા સહિતની કરવામાં આવેલી કાર્યવાહી બાદ અનેક દબાણકર્તાઓએ પોતાના દબાણો દૂર કર્યા છે.
આ અંગે પાલિકા સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયામાં મહત્વની એવી ઘી નદી તેમજ તેલી નદીના પટમાં વ્યાપક દબાણો થયા હતા. વર્ષોથી વિવિધ પ્રકારે કરવામાં આવેલા આ દબાણોને અનુલક્ષીને પાલિકા તંત્ર દ્વારા અનેક આસામીઓને પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવાની નોટિસો આપવામાં આવી હતી. પાલિકાના અલ્ટીમેટમ બાદ છેલ્લા દિવસોમાં અહીંના ધરમપુર વિસ્તારમાં મહાપ્રભુજીની બેઠકજી પાસેથી પસાર થતી નદીના વહેણમાં પાકા મકાનો તેમજ વંડા સહિતના દબાણો જે-તે આસામીઓએ સ્વૈચ્છિક રીતે દૂર કરી નાખ્યા છે.
આ ઉપરાંત ઘી નદી તેમજ તેલી નદીના વહેણ આડે છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવેલા અન્ય દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે. હાલ જો કે નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ આદરવાની જરૂર પડી નથી. પરંતુ પાલિકા તંત્ર દ્વારા દબાણ દૂર કરવા માટે જરૂરી સાધન સામગ્રીઓ ફાળવવામાં આવી હતી. મહાપ્રભુજી બેઠક નજીક આવેલી વર્ષો જૂની બાલચિયા બજાર (જુના કપડાની બજાર) પણ હાલ દૂર કરવામાં આવી છે, ત્યારે આગામી દિવસોમાં ચોમાસાના સમયમાં ખાસ કરીને મહાપ્રભુજીની બેઠક નજીકના પાણીના વહેણને ચોખ્ખું કરવામાં આવતા અહીં પાણી ભરાવાનો પ્રશ્ન મહદ અંશે હલ થશે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
પાલિકા તંત્ર દ્વારા ગટરના પાણીના નિકાલ માટે ડ્રેનેજ બોક્સ સિસ્ટમ માટેની રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી મંજૂરી તેમજ આગામી દિવસોમાં શરૂ થનારા કામને અનુલક્ષીને આ સ્થળોએથી દબાણો દૂર કરાવવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા દિવસોમાં આશરે 45 જેટલા નાના-મોટા અને કાચા-પાકા દબાણો દૂર થતાં ચોમાસામાં પાણી ભરાવાના તેમજ ઘી અને તેલી નદીમાં ગટરનું ગંદુ પાણી મિશ્રિત થવાના વર્ષો જુના પ્રશ્નનું નિરાકરણ આવી જશે તેવું ચિત્ર હાલ જોવા મળી રહ્યું છે.નગરપાલિકા દ્વારા જરૂર પડ્યે આગામી દિવસોમાં આવા દબાણો દૂર કરવામાં આવે તો પણ નવાઈ નહીં.