SIRની પ્રક્રિયામાં અનેક વિસંગતતા, પરિણિત મહિલાઓ માટે હેરાનગતિ વધુ
લગ્ન બાદ તમામ ડોકયુમેન્ટમાં પાછળ પતિનું નામ, હવે વર્ષ 2002 ના માતા-પિતા કે દાદા-દાદીના પુરાવા આપવાના નિયમથી પૂત્રવધૂઓ ચકરાવે ચડી
સાસુ-સસરા કે દાદા-દાદી 2002 પહેલા અવસાન પામ્યા હોય તો પુરાવો કયાંથી કાઢવો ? તંત્ર પણ ચકરાવે ચડે તેવા અનેક સવાલો
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમા મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) શરૂ કરવામા આવેલ છે ત્યારે SIRના ફોર્મ ભરવામા અનેક વિસંગતતાઓ સામે આવી રહી છે. ઘણા કિસ્સાઓમા તો ખૂદ બી.એલ.ઓ. પણ જવાબ આપી શકતા નથી તેના કારણે મતદારોને હેરાનગતી વધી રહી છે અનેક મતદારો નામ મતદાર યાદીમાંથી ઉડી જાય તેવી ચિંતા મતદારોને સતાવી રહી છે.
એક ગુજરાતી પુત્રવધૂ. જેણે આ ઘર, આ ગામ, આ માટીને પોતાના માન્યા. 20 વર્ષ આ ઘરમાં વિતાવ્યા. પરંતુ આજે... ચૂંટણી પંચની કડક SIRસિસ્ટમ પૂછી રહી છે: તારું અસ્તિત્વ ક્યાં છે? લગ્નના 20 વર્ષ થયા, છોકરાઓ મોટા થઈ ગયા, પતિના નામ અને પૂરાવાના આધારે ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ અને સંપત્તિના હિસ્સામાં પણ નામ દાખલ થઈ ગયું....
હવે ચૂંટણી પંચ એવું માને છે કે લગ્ન પછી પતિના દસ્તાવેજોનું કોઈ મૂલ્ય જ નથી?...... આ નિયમ નથી કારણ કે ચૂંટણીપંચ 2002ની મતદાર યાદીમાં નામ ન હોય તો પત્નીના માતા પિતા કે દાદા-દાદીના પૂરાવા માગી રહ્યું છે.
પતિના નામે તમામ દસ્તાવેજો હોય તો પણ પિયરના પુરાવા માંગવામા આવી રહયા છે . સરની આ પ્રક્રિયાએ અનેક ગુજરાતીઓને દોડતા કરી દીધા છે.
ઘણા કેસોમાં સાસુ-સસરા કે દાદા-દાદીનું સરની 2002ની યાદીમાં નામ નથી એવા પરિવારો મૂંઝવણમાં મૂકાયા છે. એક સીધો દાખલો લઈએ તો મનિષાબેન પટેલ પાસે ચૂંટણીકાર્ડથી લઈને તમામ સરકારી ડોક્યુમેન્ટ છે પણ હવે સરની પ્રોસેસમાં એમના માતા-પિતા કે દાદા-દાદીના પૂરાવા મગાઈ રહ્યાં છે. જેઓના દાદા-દાદી તો 2000 પહેલાં જ ગુજરી ગયા છે. લગ્ન પહેલાં માતા-પિતા સાથે તેઓ મહારાષ્ટ્રમાં રહેતા હોવાથી માતા- પિતાના 2002 પહેલાં મહારાષ્ટ્રના પૂરાવા હતા પણ દીકરી ગુજરાતમાં પરણ્યા બાદ આ પરિવાર 2005માં ગુજરાતમાં શિફ્ટ થયો અને માતા પિતાએ નવા ડોક્યુમેન્ટ ગુજરાતના બનાવી લીધા.
મનિષાબેનના સવાલનો કોઈ બીએલઓ પાસે જવાબ નથી મનિષાબેનના પતિનું નામ સરની યાદીમાં છે અને તમામ ડોક્યુમેન્ટમાં પણ પાછળ પતિનું જ નામ છે તો હવે ચૂંટણીકાર્ડ માટે માતા-પિતા કે દાદા-દાદીના પૂરાવાનો નિયમ એમને અકળાવી રહ્યો છે ચૂંટણીપંચના નિયમોએ સાબિત કર્યું કે, 20 વર્ષના લગ્ન પછી પણ ગુજરાતી પુત્રવધૂની ઓળખ તેના પતિના નહીં, પણ 2002ના જૂના કાગળિયા પર નિર્ભર છે!
BLO પાસે પણ જવાબ નથી!
હવે વર્ષો બાદ મનિષાબેન પટેલ પાસે સરની પ્રક્રિયામાં 2002ની યાદીની વિગતો મગાઈ રહી છે. આ બાબતે કોઈ બીએલઓ પાસે જવાબ નથી... હવે સ્થિતિ એવી છે કે મનિષાબેનને લગ્નના 20 વર્ષ બાદ મતદાર યાદીમાં નામ જાળવી રાખવા માટે સંધર્ષ કરવો પડી રહ્યો છે. ચૂંટણીપંચના નિયમો હવે આવી પુત્રવધૂઓ માટે માથાનો દુખાવો બની રહ્યાં છે. ચૂંટણીપંચ કહે છે કે પ્રોસસ સરળ છે પણ આ પ્રક્રિયા સરળ નહીં સિરદર્દ બની રહી છે.