ફાર્મસીની અનેક કોલેજોમાં કાઉન્સિલની મંજૂરી બાકી, પ્રવેશ પ્રક્રિયા લટકી પડી
રાજ્યની ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવ્યા બાદ 17મીથી મોક રાઉન્ડ પણ શરૂૂ કરવામાં આવ્યો છે. મોક રાઉન્ડ બાદ ફાઇનલ રાઉન્ડ શરૂૂ કરવાનો હતો પરંતુ હાલમા અસંખ્ય કોલેજોની મંજૂરી બાકી હોવાથી સમગ્ર કાર્યક્રમ સ્થગિત કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે.
ફાર્મસી કોલેજમાં પ્રવેશ માટે દરવર્ષે ભારે વિલંબ થતો હોવાથી ચાલુ વર્ષે વહેલી પ્રવેશ કાર્યવાહી થાય તે માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરીને મોક રાઉન્ડ પણ શરૂૂ કરી દેવાયો હતો.
રાજ્યમાં હાલમાં ફાર્મસીની 110 કોલેજોમાં 11 હજાર બેઠકો અને ડિપ્લોમા ફાર્મસીમાં 2500 બેઠકો ઉપલબ્ધ છે. આ બેઠકો રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ મોક રાઉન્ડનું પરિણામ જાહેર કરવાનું હતું મોક રાઉન્ડની સાથે જ 17મીથી 20મી જૂન સુધી પહેલા રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સૂત્રો કહે છે કે હાલમા ફાર્મસી કાઉન્સિલ દ્વારા અંદાજે 80થી વધુ કોલેજોને મંજૂરી આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી. આ કોલેજોને કાઉન્સિલની મંજૂરી ન મળે ત્યાં સુધી ફાઇનલ રાઉન્ડ શરૂૂ કરી શકાય તેમ નથી.
આ સ્થિતિમાં હાલમાં પહેલો રાઉન્ડ સ્થગિત કરવાનો નિર્ણય કરાયો છે. આગામી દિવસોમાં કાઉન્સિલ દ્વારા તમામ કોલેજોને મંજૂરી આપવામાં આવ્યા બાદ આગામી 24મી પછી પ્રવેશનો નવો કાર્યક્રમ જાહેર કરાશે. ફાર્મસી કોલેજોને મંજૂરીને લઇને કેટલીક કોલેજોએ સુપ્રીમ કોર્ટમાં પણ રિટ કરી હતી. જેમા પણ કોલેજોને મંજૂરીને લઇને છૂટછાટ આપવામાં આવી હતી. આમ, ફાર્મસીમાં દર વર્ષે મોડી પ્રવેશ પ્રક્રિયાના કારણે ભારે મુશ્કેલી ઊભી થતી હોય છે. ચાલુ વર્ષે આ પ્રકારની સ્થિતિ ઊભી ન થાય તે માટે વહેલી પ્રક્રિયા શરૂૂ કરવામાં આવ્યા પછી પણ હાલની સ્થિતિમાં પ્રક્રિયા સ્થગિત કરવીની ફરજ પડી છે. સૂત્રો કહે છે કે, ફાર્મસી કાઉન્સિલની ધીમી કામગીરીને કારણે દર વર્ષે આ પ્રકારની સ્થિતિ ઊભી થઇ રહી છે.