For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તંત્રની બેદરકારીથી અનેક આધારકાર્ડ ઓપરેટરો સસ્પેન્ડ થતાં ધબાધબી

06:25 PM Sep 13, 2024 IST | admin
તંત્રની બેદરકારીથી અનેક આધારકાર્ડ ઓપરેટરો સસ્પેન્ડ થતાં ધબાધબી

આધાર ઓથોરિટી અને જન્મ-મરણ વિભાગના સંકલનના અભાવે સર્જાઈ મોટી સમસ્યા

Advertisement

મહાનગરપાલિકાના આધારકાર્ડ કેન્દ્ર ખાતે આમ તો દરરોજ અરજદારોની લાઈનો લાગતી હોય છે. પરંતુ છેલ્લા થોડા સમયથી આધાર ઓટોરીથી અને જન્મ મરણ વિભાગ વચ્ચે સંકલન ન થતાં અરજદારો પરેશાન થઈ ઉઠ્યા છે. બાળકના આધારકાર્ડ કાઢવા માટે રજૂ કરવામાં આવતા જન્મના દાખલામાં પ્રથમ કોલમમાં બાળકના નામ સાથે બાળકના પિતા અને અટક માંગવામાં આવતા અને આ નિયમોની જાણકારી જન્મ-મરણ વિભાગને સમયસર ન મળતા ઓપરેટરોએ જૂના જન્મના દાખલાના આધારે અનેક આધારકાર્ડ બનાવી નાખ્યા જે ઓથોરીટી દ્વારા રિજેક્ટ કરાતા નિયમ મુજબ મનપાના આધારકાર્ડ કેન્દ્રના અનેક ઓપરેટરોને સસ્પેન્ડ કરાતા આજે ઓછા ઓપરેટરો સાથે કામગીરી શરૂ થતાં અરજદારોની લાઈનો લાગી હતી અને જન્મના દાખલામાં સુધારા મુદ્દે પણ દેકારો બોલી ગયો હતો.

ભારતમાં વર્ષોથી જન્મના દાખલામાં પ્રથમ કોલમમાં વ્યક્તિનું નામ જ્યારે બીજી કોલમમાં માતાનુ નામ અને ત્રીજી કોલમમાં પિતાનું નામ લખેલુ આવી રહ્યું છે. જેમાં અટક પિતાના નામ સાથે લકેલી હોય છે. પરંતુ આધાર ઓથોરીટીએ અચાનક પ્રથમ નામની સાથે તેના પિતાનું અટક સાથેનું નામ જન્મતારીખના દાખલામાં ફરજિયાત બનાવી નાખ્યું જેની જાણકારી જન્મ-મરણ વિભાગને આપવામાં ન આવી પરિણામે અગાઉ ત્રણ કોલમમાં નિકળતા નામ સાથેના દાખલાના આધારે આધારકાર્ડ કાઢવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.

Advertisement

પરંતુ આધાર ઓથોરીટી માટે મોટુ રિએક્શન આવતા મહાનગરપાલિકાના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા અને આ બાબતે ઓથોરીટીમાં તપાસ કરતા માલુમ પડેલ કે, નવા નિયમ મુજબ હવે બાળકના નામ સાથે અટક અને પિતાનું નામ પ્રથમ કોલમમાં હોવુ જરૂરી છે. જેના લીધે આ સમય દરમિયાન નિકળી ગયેલા સેંકડો બાળકોના આધારકાર્ડ રિજેક્ટ કરવામાં આવ્યા હતાં. અને મહાનગરપાલિકાના આધારકાર્ડના નિયમ મુજબ જે ઓપરેટર દ્વારા કાઢવામાં આવેલ આધારકાર્ડ અમુક સંખ્યામાં રિજેક્ટ થાય ત્યારે તેને નોકરી ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવે છે. પરંતુ આ કિસ્સામાં આધારકાર્ડ ઓથોરીટી અને જન્મ-મરણ વિભાગના સંકલનના અભાવે આધારકાર્ડ ઓપરેટરોને વગરવાંકે સસ્પેન્ડ કરાતા દેકારોબોલી ગયો છે.

મનપાના સેન્ટ્રલઝોન કચેરી ખાતે આવેલ આધારકાર્ડ કેન્દ્રમાં વહેલી સવારથી અરજદારની લાઈનો લાગી હતી. તપાસ કરતા માલુમ પડેલ કે, દરરોજ છ કીટથી કામ કરવામાં આવતું હોય છે. જેની સામે આજે ફક્ત ચાર કિટ ચાલુ રાખવામાં આવેલ જેનું કારણ પણ બે મહિલા ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ અને શા માટે સસ્પેન્ડ થયા તે મુદ્દે આધારકાર્ડ વિભાગના અધિકારીએ જણાવેલ કે, મોટુ રિજેક્શન આવતા આધારકાર્ડ કાઢનાર ઓપરેટરોને નિયમ મુજબ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને આ મુદ્દે ઓથોરીટી સાથે ચર્ચા કરવા પત્ર લખવામાં આવ્યો છે. આધારકાર્ડ વિભાગના જણાવ્યા મુજબ હવે જન્મના દાખલામાં બાળકના નામ સાથે પિતાનું નામ અને અટક જન્મ મરણ વિભાગમાં કરી આપવામાં આવે છે.

પરંતુ તેનો આધાર પુરાવો પિતાના આધારકાર્ડ ઉપરથી લેવામાં આવી રહ્યો છે. છતાં આજની તારીખે જૂના ત્રણ કોલમ વાળા જન્મના દાખલાઓ સાથે અરજદારો આવી રહ્યા છે. અને આધારકાર્ડ કેન્દ્રમાં કર્મચારીઓ સાથે તેમજ ઓપરેટર સાથે મગજમારી કરી રહ્યા હોય તેઓને પુરુ નામ કરાવવા માટે સમજાવીને જન્મ-મરણ વિભાગમાં મોકલવામાં આવી રહ્યા છે. આમ બે વિભાગના સંકલનના અભાવે અનેક ઓપરેટરોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. જેની સામે છેલ્લા બે માસથી અરજદારો પણ પરેશાન થઈ રહ્યા છે.

બાળકોનું આધારકાર્ડ કેન્દ્ર બે માસથી બંધ!
મહાનગરપાલિકાના આધારકાર્ડ કેન્દ્ર ખાતે એક વર્ષથી નાના બાળકોનું આધારકાર્ડ કાઢવાનું હોય ત્યારે તેમના માટે અલગથી સુવિધા ઉભી કરવામાં આવી છે. આધારકાર્ડ કેન્દ્રના પ્રથમમાળે સ્પેશિયલ બાળકો માટેના આધારકાર્ડ કાઢવામાં આવી રહ્યા છે. જેનું કારણ મહિલાઓ પોતાના બાળકો સાથે આધારકાર્ડ માટે આવે ત્યારે આધારકાર્ડની લાઈનમાં ઉભા રહેવાથી પરેશાન ન થાય એટલા માટે આ સુવિધા ઉભી કરવામાં આવી છે. પરંતુ ઓપરેટર અને કીટના અભાવે છેલ્લા બે માસથી બાળકોના આધારકાર્ડની કામગીરી બંધ થતા આજે પણ આધારકાર્ડ કેન્દ્રમાં લાગેલ અરજદારોની લાંબી લાઈનોમાં બાળકો સાથે મહિલાઓ પણ જોવા મળી હતી અને આ મુદ્દે ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

આધાર ઓથોરીટીની મનમાનીથી અનેક વિભાગો પરેશાન
ભારત સરકારે ભારતીય હોવાના પુરાવા રૂપી આધારકાર્ડ ઓળખપત્ર માન્ય રાખવામાં આવ્યું છે. જેના માટે જન્મનો દાખલો અગત્યનો હોય છે. આધારકાર્ડ કઢાવવા માટે ફક્ત જન્મનો દાખલો રજૂ કરીએ જે તે બાળકનું આધારકાર્ડ તૈયાર થતું હોય છે પરંતુ જન્મના દાખલામાં છેડછાડ અને ફેરફાર કરવાની સત્તા કોઈ પાસે નથી. છતાં આધાર ઓથોરીટી દ્વારા વારંવાર જન્મના દાખલામાં ફેરફાર કરવા પડે તેવી પરિસ્થિતિ ઉભી કરવામાં આવી રહી છે. પુરાભારતમાં આધારકાર્ડનું નેટવર્ક ઓનલાઈન પથરાયેલું છે. અને ઉચ્ચઅધિકારીઓ દ્વારા તેનું સંચાલન થતું હોય છે. છતાં આધારકાર્ડ માટેચાવીરૂપ ગણાતા જન્મના દાખલામાં ફેરફાર કરવાનો થાય અને તેનો નિર્ણય લેવામાં આવે ત્યારે તેની જાણકારી જન્મ-મરણ વિભાગ અને અન્ય વિભાગોને આપવામાં આવતી નથી. આથી આધાર ઓથોરીટી દ્વારા કરવામાં આવેલા મનઘડત નિયમોની અમલવારી કરતા પહેલા શા માટે અન્ય વિભાગોને જાણ નથી કરાતી અને ફક્ત તેમની મનમાની કરી લોકોના આધારકાર્ડ રિજેક્ટ કરી પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેવી ચર્ચા અરજદારોમાં જાગી છે.

આખા ગામની ભાભી મનપા
મનપાના આધારકાર્ડ કેન્દ્ર ખાતે આજે જન્મના દાખલામાં સુધારા મુદ્દે અરજદારોની લાઈનો લાગી હતી. નાના બાળકો સાથે આવેલ મહિલાઓ તેમજ વૃદ્ધ અને અશક્ત લોકો તડકામાં સવારથી બેસી પરેશાન થઈ રહ્યા હતા. છતાં મહાપાલિકાએ અરજદારોને સમજાવીને આધારકાર્ડની કામગીરી અને જ્ન્મના દાખલામાં સુધારા કરવાની કામગીરી ચાલુ રાખી હતી. પરંતુ આધાર ઓથોરીટીના પાપે મહાનગરપાલિકાના અધિકારીઓ અને આધારકાર્ડના કર્મચારીઓએ અરજદારોના અપશબ્દો સાંભળવાનો વારો આવ્યો હતો આથી અરજદારો જ કહી રહ્યા હતા કે, શહેરમાં ખાડા પડે કે કોઈ પણ અઘટીત ઘટનાઓ ઘટે ત્યારે વાંક કોર્પોરેશનનો જ આવતો હોય છે. અને આ બનાવમાં પણ આધાર ઓથોરીટીની ભૂલના કારણે મનપાના અધિકારીઓને સાંભળવુ પડ્યું છે. જેથી મનપા આખા ગામની ભાભી હોય તેવો ઘાટ ઘટાયો છે. તેવો પણ ગણગણાટ જોવા મળ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement