જૂનાગઢની હોસ્ટેલમાં માંગરોળની છાત્રાએ ફાંસો ખાઇ કર્યો આપઘાત
- સ્યૂસાઇડ નોટમાં લખ્યું, જિંદગીથી કંટાળી ગઇ છું
જૂનાગઢની ભાગોળે ચોબારી ગામ પાસે આવેલ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (સી સી એસ આઈટી) કોલેજમાં અભ્યાસ કરતી હેત્વી ભાવેશભાઈ કોટડીયા ઉ. વ. 18 હું મારાથી અને જિંદગીથી કંટાળી ગઈ છું એવી સ્યુસાઈડ નોટ લખીને મંગળવારે સવારે કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં ત્રીજા માળે આવેલા તેના રૂૂમમાં ઈલેક્ટ્રીક પંખા સાથે ચુંદડી વડે લટકીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
આ અંગેની જાણ થતા તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. અને કોલેજીયન યુવતીના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપીને મૃતકના પિતા ભાવેશભાઈ કોટડીયાનું નિવેદન લઇ આગળની કાર્યવાહી હાથ કરી હતી. મહિલા પીએસઆઇ જે. ડી. દેસાઈએ સ્યુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી છે.
સીસીએસઆઈટી કોલેજની વિદ્યાર્થીની હેત્વી કોટડીયાનાં આપઘાતથી અરેરાટી વ્યાપી ગઈ હતી. મંગળવારની સવારે 6.30 થી 7 વાગ્યાનાં અરસામાં હેત્વીએ મોતને મીઠું કર્યું હતું. સવારે જ્યારે રેક્ટર રાઉન્ડમાં ગયા ત્યારે આ વિદ્યાર્થીની તેના રૂૂમમાં ઈલેક્ટ્રીક પંખા સાથે ચુંદડી વડે લટકેલી જોવા મળી હતી. જેના પગલે કોલેજના ટ્રસ્ટીઓ અને પોલીસને જાણ કરવામાં આવી હતી.મૃતક વિદ્યાર્થીની જુનાગઢ જિલ્લાના માંગરોળની વતની હતી. તેના પિતા ભાવેશભાઈ રવજીભાઈ કોટડીયા માંગરોળમાં ગાયત્રીનગર, કૃષ્ણા ટાવર ગ્રાઉન્ડ પાસે રહે છે. આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યો નથી.