વિસાવદરમાં દાવપેચ શરૂ; સ્વ.કેશુભાઇ પટેલના આશીર્વાદ લેતા વીડિયો બાદ ઇટાલિયા સામે ફરિયાદ
વિસાવદર ધારાસભાની પેટાચૂંટણી જાહેર થતા જ રાજકિય દાવપેચ શરૂ થઇ ગયા છે અને વિસાવદરના પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઇ પટેલ આર્શિવાદ આપતા હોય તેવા ‘આપના’ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ એ.આઇ. વીડિયો સોશિયલ મીડિયામાં મુકતા તેની સામે પાટીદાર સમાજનું અપમાન કર્યાની વિસાવદર પોલીસમાં અરજી થતા રાજકિય ચર્ચા જાગી છે.
ગોપાલ ઇટાલીયાએ સ્વ. કેશુભાઈ પટેલનો AI વીડિયો બનાવ્યો છે. કેશુભાઈ પટેલ ઈટાલીયાને આશીર્વાદ આપતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. પાર્ટી દ્વારા આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો છે.
આ વીડિયો વાઇરલ થયા બાદ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારે પોલીસમાં અરજી કરી ઈટાલીયાએ પાટીદાર સમાજનું અપમાન કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. બદનક્ષીનો ગુનો નોંધવા ઉમેદવાર લાલજી કોટડીયાએ અરજી કરી છે અને સવાલ ઉઠાવ્યા છે કે, સ્વર્ગવાસી નેતાના આર્શિવાદ લેવા એ એક ઉમેદવાર તરીકે શું શોભનીય ગણાય? ચૂંટણી જીતવા મૃતકનો સહારો લઈ પ્રજા સુધી પહોંચવા શું હવે આ રીતે પ્રચાર કરવામાં આવશે?
સ્વ. કેશુભાઈ પટેલ 1995માં અને ફરી 1998 થી 2001 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. તેઓ છ વખત ગુજરાત વિધાનસભાના સભ્ય રહ્યા. તેઓ 1940 ના દાયકાથી આરએસએસના સભ્ય, 1960 ના દાયકામાં ભારતીય જનસંઘના સભ્ય, 1970 ના દાયકામાં જનતા પાર્ટીના સભ્ય અને 1980 થી ભારતીય જનતા પાર્ટીના સભ્ય પણ રહ્યાં હતા. તેમણે 2012માં ભાજપ છોડી દીધું અને ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના કરી. 2012ની રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં તેઓ વિસાવદરથી ચૂંટાયા હતા, પરંતુ 2014માં ખરાબ સ્વાસ્થ્યને કારણે રાજીનામું આપી દીધું હતું.