પોરબંદરમાં કુદરતી હાજતે ગયેલી છ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર જેલ હવાલે
કમલાબાગ પોલીસના સ્ટાફે આરોપીને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું
પોરબંદરમાં 6 વર્ષની બાળકી કુદરતી હાજતે ગઈ હતી ત્યારે એક આરોપીએ બાળકી સાથે અડપલા કરી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપીને ઝડપી લઇ કાર્યવાહી કરી જેલ હવાલે કર્યો છે. પોરબંદરમાં રહેતી 6 વર્ષની બાળકી તા. 5/9ના રોજ સાંજે 7:30 વાગ્યે કુદરતી હાજતે ગઈ હતી, ત્યારે નવી ખડપીઠ વિસ્તારમાં દેવીપૂજક વાસમાં રહેતો બાદલ ઉમેશ સોલંકી નામના આરોપીએ આ બાળકી પર નજર બગાડી,બાળકીનું અપહરણ કરી, બાળકીને પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યાં આ બાળકીના શરીર સાથે અડપલા કરી દુષ્કર્મ આચર્યું હતું.
બાળકીએ રડતા રડતા તેના માતાને જાણ કરતા આસપાસના સ્થાનિકો એકત્ર થયા હતા અને કમલાબાગ પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં બાળકીની માતાએ સમગ્ર હકીકત જણાવી ફરિયાદ નોંધાવી હતી. કમલાબાગ પોલીસ મથકના પીઆઈ આર.સી. કાનમીયા દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવા સૂચના આપી હતી અને આરોપી બાદલ ઉમેશ સોલંકીને દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી આરોપીને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કર્યો છે.