જેતપુરના દુષ્કર્મના ગુનામાં 24 વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો
જેતપુરમાં 24 વર્ષ પૂર્વે થયેલા દુષ્કર્મ કેસમાં વોન્ટેડ મુળ બિહારના શખ્સને રાજકોટ ગ્રામ્ય પેરોલફર્લો સ્કવોર્ડની ટીમે ઝડપી પાડયો હતો. દુષ્કર્મના ગુનામાં 24 વર્ષથી ફરાર પરપ્રાંતિય શખ્સ જેતપુર ખાતે રહેતા તેના ભાઈને મળવા આવ્યો અને પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસ ધરપકડથી બચવા આ શખ્સ વેશ પલ્ટો કરી 24 વર્ષ સુધી છુપાતો રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
જેતપુરમાં વર્ષ 2001માં નોંધાયેલા અપહરણ અને દુષ્કર્મના ગુનામાં મુળ બિહારના ભભુયા જિલ્લાના કુદરા થાણાના પંચપોખરી ગામના મનોજ રામસુરત પાસ્વાન સામે ગુનો નોંધાયો હતો તે આ ગુનામાં છેલ્લા 24 વર્ષથી ફરાર હતો. જેના વિરૂધ્ધ કોર્ટ દ્વારા સીઆરપીસી 70 અને 82 મુજબનું વોરન્ટ પણ કાઢવામાં આવ્યું હતું. દુષ્કર્મના ગુનામાં વોન્ટેડ શખ્સનો ભાઈ જેતપુર રહેતો હોય પોલીસે તેના મોબાઈલના કોલ ડીટેઈલ ઉપર તપાસ કેન્દ્રીત કરી હોય તે દરમિયાન શંકાસ્પદ નંબર કે જે સતત વાતચીત થતી હોય તેને વોચમાં રાખીને રાજકોટ ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે તપાસ કેન્દ્રીત કરી હતી તે દરમિયાન જેતપુરમાં ભાઈને મળવા આવેલા 24 વર્ષથી વોન્ટેડ મનોજ પાસ્વાનને પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે ઝડપી પાડયો હતો.
જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી પીઆઈ વી.વી.ઓડેદરા અને તેમની ટીમના પીએસઆઈ આર.બી.બલદાણિયા સાથે એએસઆઈ નૌસાજ ચૌહાણ, હિતેશભાઈ હમીપરા, મહેન્દ્રસિંહ સોલંકી, અબ્બાસભાઈ ભારમલ અને મહીપાલસિંહ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.