ટ્રેનના પાટે બેઠેલા પ્રેમીપંખીડાને બચાવવા જતા પ્રૌઢ ટ્રેનની ઠોકરે ચડી ગયા
શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતા પ્રૌઢ રાત્રીના સમયે મોરબી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે રેલવે પાટા ઉપર બેઠેલા પ્રેમી પંખીડાને બચાવવા જતા ટ્રેનની ઠોકરે ચડી ગયા હતા. પ્રૌઢને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા વિસ્તારમાં રહેતા ભુપતભાઈ સુરેશભાઈ ચાવડા નામના 46 વર્ષના પ્રૌઢ રાત્રીના બારેક વાગ્યાના અરસામાં મોરબી રોડ પર હનુમાન મંદિર પાસેથી ચાલીને જઈ રહ્યા હતા ત્યારે ટ્રેનની ઠોકરે ચડી જતા ઇજા પહોંચી હતી. ભુપતભાઈ ચાવડાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં ભુપતભાઈ ચાવડા મજુરી કામ કરીને રાત્રીના સમયે ઘરે જતા હતા ત્યારે મોરબી રોડ પર રેલવે પાટા ઉપર પ્રેમી યુગલ બેઠું હતું તે દરમિયાન ટ્રેન આવી જતા ભુપતભાઈ ચાવડા પ્રેમી પંખીડાને બચાવવા જતા ટ્રેનની ઠોકરે ચડી જતા ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.