જૂનાગઢમાં બાઇક પર ડ્રગ્સ વેંચવા નીકળેલો શખ્સ ઝડપાયો, 4.66 ગ્રામ ડ્રગ્સ કબજે
જોગી પાર્કમાં રહેતા મિત્રનું નામ ખુલતા તેની શોધખોળ, છૂટક ગ્રાહકોને વેંચતો હોવાની કબુલાત
જુનાગઢમાં બાઈક પર ડ્રગ્સ વેચવા નીકળેલ યુવકને એસઓજીએ રૂૂપિયા 46,600ની કિંમતનાં 4.66 ગ્રામ મેફેડ્રોન ડ્રગ સાથે દબોચી લઇ બાઈક, મોબાઈલ સહિત કુલ રૂૂપિયા 81600નો મુદ્દામાલ કબજે લીધો હતો. શહેરમાં નંદનવન શાકમાર્કેટ પાછળ આદિત્યનગર-2 બ્લોક નંબર 21, રહેતો 22 વર્ષીય તુષાર બાલકૃષ્ણ ટાટમીયા નામનો યુવક જીજે 11 સીએમ 0699 નંબરના બાઈક પર પ્રતિબંધિત નાર્કોટિક્સ ડ્રગ્સ લઈને શહેરના અગ્રાવત ચોકથી ખલીલપુર રોડ તરફ વેચાણ કરવા નીકળનાર હોવાની બાતમી એસઓજીને મળી હતી જેના પગલે પીઆઈ પી. સી. સરવૈયા સહિતની ટીમે સોમવારે સવારે સરકારી પંચ સાથે બાપુનગર સોસાયટીમાં ખલીલપુર તરફ જતા રસ્તે સાગર પાન નામની દુકાન પાસે વોચ ગોઠવી હતી.
આ દરમ્યાન સવારે 3:46 વાગ્યે અગ્રાવત તરફથી હકીકતના વર્ણનવાળો યુવાન બાઈક સાથે આવતા બાઈક રોકાવી કોર્ડન કરી ઝડપી લીધો હતો. પૂછપરછમાં શખ્સે તુષાર બાલકૃષ્ણ ટાટમીયા હોવાનું જણાવતા અંગઝડતી કરી હતી. જેમાં યુવકે જીન્સ પેન્ટના જમણી બાજુના ખિસ્સામાંથી રબર વિટેલ કાગળમાં પ્લાસ્ટિકની પારદર્શક બેગમાં શંકાસ્પદ પદાર્થ અને મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આથી એફએસએલના અધિકારી જી. આર. માકડીયા પાસે તપાસણી કરાવતા પ્રાથમિક દૃષ્ટિએ મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું જણાતા યુવાનની રૂૂપિયા 46,600નાં 4.66 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ મોબાઈલ ફોન, બાઈક સહિત રૂૂપિયા 81,600નો મુદ્દામાલ કબજે કરી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. વધુ તપાસ પીઆઇ એમ. એન. કાતરિયાએ હાથ ધરી હતી.
માદક પદાર્થ સાથે ઝડપાયેલ તુષાર બાલકૃષ્ણ ટાટમીયાની મેફેડ્રોન ડ્રગ્સ ક્યાંથી લાવેલ અને કોને આપવાનો હતો તે મુદ્દે પૂછપરછ કરતા આરોપીએ મિત્ર વિવેક અરુણ સીસાંગીયા(રહે. જોગી પાર્ક, જૂનાગઢ)પાસેથી ડ્રગ્સ લાવ્યો હોવાનું અને છૂટક ગ્રાહકોને વેચતો હોવાનું જણાવ્યું હતું.