ખંભાળિયામાં ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રિફિલિંગ કરતો શખ્સ ઝડપાયો
ખંભાળિયામાં એસ.ઓ.જી. પોલીસે અનધિકૃત રીતે ચાલતી ગેસ સિલિન્ડર રિફિલિંગની પ્રવૃતિ સામે કડક કાર્યવાહી કરી, વધુ એક શખ્સને આ જોખમી પ્રવૃત્તિ કરતા 23 ગેસ સિલિન્ડર, ચાઈનીઝ નાના બાટલા (હાંડી) સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
જેમાં એસ.ઓ.જી.વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા શહેર નજીકના શક્તિનગર વિસ્તારમાં આવેલી શ્રીજી સાનિધ્ય સોસાયટીના ગેઈટની બાજુમાં રહેતા અને શ્રીજી પાન નામથી પાનની દુકાન ધરાવતા કારા મેરામણ અરજણ નંદાણીયા નામના 45 વર્ષના શખ્સ દ્વારા સતવારા સમાજની વાડીની સામેની ગલીમાં શ્રીજી નિવાસ નામના રહેણાંક મકાનમાં શહેરમાં ગેરકાયદેસર રીતે સરકારના સબસીડી વાળા એલપીજી ગેસ સિલિન્ડરમાંથી કોમર્શિયલ ગેસના ખાલી બાટલા તેમજ પાંચ કિલોના નાના બાટલાઓમાં ગેરકાયદેસર રિફિલિંગ કરતા ઝડપી લીધો હતો.
આ પ્રકરણમાં પોલીસે ઈન્ડેન કંપનીના બે નંગ ભરેલા બાટલા, નવ ખાલી બાટલા, એક કોમર્શિયલ ખાલી બાટલો, ભારત ગેસના પાંચ ખાલી બાટલા, રિલાયન્સ કંપનીના પાંચ ખાલી બાટલા, એચપી કંપનીનો એક ખાલી બાટલો, ઉપરાંત છ નંગ ચાઈનીઝ નાના ખાલી અને બે નંગ ભરેલા બાટલા (હાંડી) તેમજ લોખંડની ઇલેક્ટ્રીક મોટર, એસેમ્બલ કમ્પ્રેસર, રેગ્યુલેટર, નોઝલ સહિત કુલ રૂૂપિયા 58,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.