ધોરાજી-પોરબંદર હાઈવે ઉપર બાઈક ઉપર જોખમી સ્ટંટ કરનાર શખ્સની ધરપકડ
ધોરાજીમાંથી ફરી એકવાર જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. ધોરાજી-પોરબંદર નેશનલ હાઇવે પર એક યુવક મોટરસાઇકલ પર જીવ જોખમે મૂકીને સ્ટંટ કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થયો હતો. જે મામલે પોલીસે આ સ્ટંટબાજ શખસની ધરપકડ કરી હતી. વાયરલ વીડિયોમાં જોવા મળતા સ્ટંટબાજનું નામ ફિરોઝ દિલાવર પઠાણ હોવાનું સામે આવ્યું છે. ધોરાજી તાલુકા પોલીસે વીડિયોને ગંભીરતાથી લઈને તુરંત કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ આ સ્ટંટબાજ યુવકને ઝડપી પાડ્યો હતો.
ધોરાજીના નેશનલ હાઇવે પર છેલ્લા કેટલાક સમયથી આવા જોખમી મોટરસાઇકલ સ્ટંટના વીડિયો અવારનવાર વાયરલ થાય છે. આ સ્ટંટબાજો જાણે કે પોલીસ તંત્રને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા હોય તેવું વાતાવરણ સર્જાયું છે. દરેક વખતે વીડિયો વાયરલ થયા બાદ જ પોલીસ તંત્ર હરકતમાં આવે છે.
ધોરાજી પોલીસ તંત્ર દ્વારા પકડાયેલા સ્ટંટબાજ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેને કાયદાનું ભાન કરાવીને દંડ અને અન્ય શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. સ્થાનિક લોકો અને વાહનચાલકોની માગ છે કે આવા સ્ટંટબાજોને રોકવા માટે પોલીસ તંત્ર દ્વારા દાખલારૂૂપ કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી અન્ય યુવાનો આવા જોખમી કૃત્યોથી દૂર રહે. તેમજ, નેશનલ હાઇવે પર આવી ગતિવિધિઓ અટકાવવા માટે વધુ સઘન પેટ્રોલીંગ કરવાની પણ જરૂૂર છે.