ઓખાના સુદર્શન સેતુ પર છરી દેખાડીને સીન સપાટા કરતો શખ્સ ઝબ્બે
ઓખા મંડળમાં આવેલા સુવિખ્યાત સિગ્નેચર બ્રિજ ખાતે એક યુવાન જાહેરમાં ખુલ્લી સાથે આ બ્રિજ પર સીન સપાટા કરતો દેખાતો વિડિયો બનાવી અને તેની ચોટદાર રીલ તેણે સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. આશરે બે માસ પૂર્વે બનેલી આ રીલ સોશિયલ મીડિયા મારફતે પોલીસના ધ્યાને આવતા આ અંગે ઓખા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
આ પ્રકરણમાં કરવામાં આવેલી પોલીસ તપાસના અંતે આજથી બે માસ અગાઉ અર્જુન ઠાકોર નામના શખ્સે ઓખાના સુદર્શન સેતુ પર જાહેરમાં હાથમાં ખુલ્લી છરી રાખી, ફોટો અને વીડિયો બનાવીને તે રીલ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હોવાનું ખુલવા પામ્યું હતું. જેને અનુલક્ષીને પોલીસે આરોપી અરજણજી ભીખાજી ઠાકોર (રહે. દેથળી, તા. વાવ) કે જે છેલ્લા બે માસથી નાસતો ફરતો હોય, તેને ગાંધીનગર ખાતેથી પકડી લાવી ગઈકાલે બુધવારે સ્થાનિક કોર્ટમાં રજૂ કરતા અદાલતે આરોપીને રોકડ દંડની સજા ફટકારી હતી. આ સાથે આ ગુના બદલ આરોપીનો માફી માંગતો વિડિયો પણ વાયરલ થયો છે.