માણાવદરમાં જંત્રી દરના વિરોધમાં મામલતદાર કચેરીનો કર્યો ઘેરાવ
સરકારની જંત્રી દર વધારાની ચાલી રહેલી કવાયત સામે પ્રજામાંથી દરરોજ વિરોધના સુર ઉઠી રહ્યા છે પ્રજામાં સરકાર સામે ભારે આક્રોશ અને રોષ ભભૂકી રહ્યો છે ગામોગામ સરકારના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે જંત્રીના નવાદર ખેતી તથા ઉદ્યોગ પર ભારે અસર કરશે ધંધા રોજગાર તથા ખેતીપડી ભાંગવાની ભીતિ સેવાઈ રહી છે. સરકારની કથિત કવાયત સામે માણાવદર તાલુકાના 58 ગામોના ખેડૂતો તથા નાના મોટા ઉદ્યોગકારોએ નારાજગી દર્શાવી છે આ દરોના વિરોધમાં આજરોજ રેલી સ્વરૂૂપે જય માણાવદર મામલતદારશ્રીને એક આવેદનપત્ર પાઠવી જંત્રી દરનો વિરોધ નોંધાવ્યો છે.
મુખ્યમંત્રીશ્રી તથા સબંધિત સચિવો, સાંસદ, ધારાસભ્ય વગેરેને ઉદેશીને લખાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે સને 2011માં સરકારે જંત્રીના દર જે જૂના હતા તેમાં વધારો કરવાની કવાયત કરી ભાવ વધારો જીકી દીધો હતો અને હવે એ જંત્રી દર ફરીવાર ડબલ કરવાની સરકાર દ્વારા હિલચાલ ચાલી રહી છે. માણાવદર તાલુકામાં હાલમાં ખેતીની જમીનના ભાવ પ્રતિ ચોરસ મીટર 180 થી 200 સુધીના જંત્રી દર હતા. તથા ઉદ્યોગિક હેતુની જંત્રી પ્રતિ ચોરસ મીટર 300 થી લઈ 500 સુધીના દર હતા. જે તા.18-4-2011ની જંત્રી મુજબના હતા. ત્યારબાદ તારીખ 15-4-2023 થી ઉપરોક્ત દર ડબલ કરવામાં આવ્યા હતા અને ફરી પાછો 2024 નો નવો મુસદો તૈયાર કરાયો છે.
જેમાં પ્રતિ ચોરસ મીટર 1820 થી 5000 સુધી ઉદ્યોગિક હેતુને જંત્રી ચોરસ મીટર 3500 થી 5000 સુધી કરવાની તજવીજ ચાલી રહી છે આમ ઔદ્યોગિક હેતુ માટેની જંત્રી મુજબ એક વીઘાના 70થી 80 લાખ થાય છે અને ખેતીના હેતુ માટેની જંત્રી એક વીઘાના 30થી 50 લાખ થાય છે. જો આવા દતની અમલવારી થશે તો આ તાલુકાનો વિકાસ રુંધાઈ જશે અને વેપાર જમીનના સોદા અટકી પડશે ખેતી પડી ભાંગશે વેપારનું નામું નખાઈ જશે!
આમેય માણાવદર તાલુકો રોજગાર વિહોણો તાલુકો છે અહીં ખેતી કામ સિવાય કોઈ રોજગારી આપે તેવા સાધન રહ્યા નથી 125 જેટલા કપાસના કારખાના હતા. તેમાંથી 20 25 માંડ ચાલે છે. મેગા ઔદ્યોગિક એકમો ધૂળમાં મળી ગયા છે અને તેમાંય જો જંત્રીદારનો વધારો કરવામાં આવશે તો ખેતી તો ભાંગશે જ સાથે સાથે 20 થી 25 જેટલા કારખાના ચાલે છે તે પણ બંધ થઈ જવાની ભીતી ખેડૂતો તથા વેપારીઓમાં પ્રસરી ગઈ છે.