મોટામવામાં 100 કરોડની જમીન પરથી દબાણ હટાવતા મામલતદાર
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની સૂચનાને પગલે શહેર અને જિલ્લામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે આજે શહેરના ભાગોળે આવેલા મોટા માવા વિસ્તારમાં સરકારી જમીન પરનું એક મોટું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. સર્વે નંબર 180 પૈકીની આ જમીન પર ઘણા સમયથી ગેરકાયદેસર કબજો હતો, જેને આજે બુલડોઝર ફેરવીને ખાલી કરાવવામાં આવી છે.
આ દબાણ પાંચ એકર જેટલી ખેતીની જમીન પર હતું, જેની અંદાજિત બજાર કિંમત 100 કરોડ રૂૂપિયાથી પણ વધુ આંકવામાં આવી રહી છે. આ જમીન પર એક ઓરડી અને ખેતીની પ્રવૃત્તિઓ જોવા મળતી હતી, જેને આજે વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે. આગામી સમયમાં આ જમીનની ફરતે ફેન્સીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી ફરીથી કોઈ દબાણ ન કરી શકે.
તાલુકા મામલતદારની દ્વારા આ દબાણકર્તાઓને અનેક વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં તેઓએ દબાણ દૂર કર્યું ન હતું. આથી આજે પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી હતી અને જમીનને સંપૂર્ણપણે દબાણમુક્ત કરવામાં આવી હતી.