જૂની કલેક્ટર કચેરીમાં અડિંગો જમાવીને બેઠેલાં 16 એજન્ટોને હાંકી કાઢતા મામલતદાર
આજરોજ રાજકોટ શહેર (પૂર્વ)ના મામલતદાર એસ.જે. ચાવડા અને તેમની ટીમે જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં અચાનક ડ્રાઇવ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન કમ્પાઉન્ડમાં અનઅધિકૃત રીતે બેસી રહેલા આશરે 16 જેટલા ઇસમોને ખસેડવામાં આવ્યા હતા.
મામલતદારના જણાવ્યા અનુસાર, આ ઇસમો જૂની કલેકટર કચેરીના મેદાનમાં બેસીને સરકારી કામકાજ માટે આવતા લોકોને ભ્રમિત કરી ગેરકાયદેસર રીતે નાણાં પડાવતા હતા. પાન-ફાકીની લારીવાળાઓ સહિતના આ દબાણકર્તાઓને અગાઉ મામલતદાર દ્વારા મૌખિક સૂચનાઓ આપવામાં આવી હતી, એટલું જ નહીં પ્ર.નગર પોલીસને પણ આ અંગે લેખિતમાં જાણ કરવામાં આવી હતી.
આ સૂચનાઓ અને જાણકારી છતાં, આ ઇસમો ગમે ત્યારે કમ્પાઉન્ડમાં ફરીથી આવી જતા હતા અને પોલીસ તરફથી પણ કોઈ સઘન પીસીઆર કે ચેકિંગ કરવામાં આવતું નહોતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આજે મામલતદારએ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટાફને બોલાવીને આ કાર્યવાહી હાથ ધરી હતી.મામલતદારએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ ઇસમો ફરીથી કમ્પાઉન્ડમાં બેસતા નજરે પડશે તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીથી સરકારી કામકાજ માટે આવતા લોકોને હવે રાહત મળશે અને તેઓ ભ્રમિત થતા બચી શકશે. જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડને દબાણમુક્ત કરવાની આ કામગીરીને લોકોએ આવકારી છે.