મોરબીમાં માળિયા તાલુકા સંઘ દ્વારા ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ
મોરબીમાં ગઈકાલથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માળિયા તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માળિયા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ મનહરભાઈ બાવરવાએ આજે ખેડૂતોને મોઢા મીઠા કરાવીને મગફળી ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રથમ દિવસે ખેડૂતો મગફળી વેચવા માટે પહોંચ્યા હતા. જેમાં ખરીદ કેન્દ્ર ખાતે નિયમ મુજબ ઉતારો તપાસીને ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ તકે માળિયા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ મનહરભાઈ બાવરવાએ જણાવ્યું હતું કે, ભારત સરકારના નિયમ મુજબ પ્રતિ મણના 1356 રૂૂપિયા લેખે ખેડૂતો પાસેથી મગફળી ખરીદી કરવામાં આવી રહી છે. હાલ ઓનલાઈન 700થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવેલી છે. મોરબી જિલ્લામાં કૂલ 8 હજાર જેટલી ઓનલાઈન અરજી થઈ છે.
જેમાં સૌથી વધુ નોંધણી ટંકારા તાલુકામાં થઈ છે. માળિયા તાલુકામાં વાવેતર ઓછું હોય ઓછી અરજી થઈ છે. મોરબી જિલ્લામાં કૂલ 3 ખરીદ કેન્દ્રો ખોલાવામાં આવ્યા છે જેમાં ટંકારા, હળવદ અને મોરબી માર્કેટિંગ યાર્ડમાં ખરીદ કેન્દ્ર ચાલું છે. આજે પ્રથમ દિવસે 20 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા જેમાંથી 9 ખેડૂતો મગફળી લઈને પહોંચ્યા હતા. જે ખેડૂતો નથી પહોંચ્યા તેઓને શનિવારે ફરીથી બોલાવવામાં આવશે.ખાનપરથી મગફળી વેચવા આવેલા ખેડૂત સુરેશભાઈ જીવાણીએ જણાવ્યું હતું કે, હાલ બજારભાવ ઓછા છે. માર્કેટિંગ યાર્ડમાં હરરાજીમાં સારી ક્વોલિટીની મગફળીના 1200 રૂૂપિયા જેટલો ભાવ મળે છે જ્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે 1356 રૂૂપિયા જેટલો ભાવ આપવામાં આવી રહ્યો છે જે ખેડૂતો માટે સારી વાત છે.