નર્સિંગ સ્ટાફની ભરતીમાં મોટા ગોટાળા; હાઇકોર્ટે વ્યકત કરી શંકા
ABCD ફોર્મેટની વિશ્ર્વસનિયતા સામે સવાલો ઉઠાવ્યા, એડવોકેટ જનરલને તાબડતોબ બોલાવ્યા
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા લેવાયેલી નર્સિંગ સ્ટાફની ભરતી પરીક્ષામાં વિવાદિત આન્સર કી મામલે ગુજરાત હાઇકોર્ટે સખ્ત નારાજગી વ્યક્ત કરી છે. ખાસ કરીને ABCD - ABCD ફોર્મેટમાં આવેલા જવાબો પર હાઇકોર્ટે ગંભીર આશંકા વ્યક્ત કરી છે. હાઇકોર્ટે આ મામલે પ્રાથમિક મત વ્યક્ત કરતા કહ્યું છે કે, આ કોઇ ચોક્કસ વ્યક્તિઓને ભરતી કરવા માટેની ગોઠવણ હોઇ શકે છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને કોર્ટે તાત્કાલિક એડવોકેટ જનરલને બપોરે 2:30 કલાકે કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ આપ્યો છે.
આ સમગ્ર મામલો 50થી વધુ ઉમેદવારોએ હાઇકોર્ટમાં કરેલી સિવિલ એપ્લિકેશનની સુનાવણી દરમિયાન સામે આવ્યો છે. નર્સિંગ સ્ટાફના 1900થી વધુ પદો માટે યોજાયેલી આ ભરતી પરીક્ષામાં આન્સર કી જાહેર થતાં જ વિવાદ શરૂૂ થયો હતો. 56,000થી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી.
તમામ પ્રશ્નોના જવાબો અઇઈઉ, ABCD ફોર્મેટમાં આવતા પરીક્ષાની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા થયા છે. અરજદારોએ સમગ્ર ભરતી પ્રક્રિયા પર રોક લગાવવા અને ફરીથી પરીક્ષા લેવાની માંગણી કરી છે. આ મામલે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે.