અમદાવાદમાં જીન્સ બનાવતી કંપનીમાં મોટો બનાવ, ટાંકીમાં ડૂબી જવાથી 3 શ્રમિકોના મોત
અમદાવાદમાં જીન્સ બનાવતી કંપનીમાં દુર્ઘટના બની છે. જીન્સ બનાવતી કંપનીમાં કાપડ ધોવાની ટાંકીમાં ડૂબી જવાથી 3 શ્નમિકોના મોત થયા છે. ખોડિયાર નગરની જીન્સ બનાવતી કંપનીમાં આ ઘટના બની છે. જીન્સના કાપડ ધોવાની ટાંકીમાં ત્રણેય શ્રમિકો ઉતર્યા હતા, અને ત્રણેયના ડૂબી જવાથી મોત થયા. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મૃતકોના નામ સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર અને પ્રકાશ પરમાર હોવાનું સામે આવ્યું છે. મૃતકોના પરિવારજનોનો આરોપ છે કે, કંપનીની બેદરકારીના કારણે મૃતકોના મૃતદેહ આખી રાત ટાંકીમાં રહ્યા હોવાના કારણે તેમના મોત નિપજ્યા છે. ત્રણેય યુવકના પરિવારજનો મણિનગરની LG હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ત્રણેય યુવકો 25થી 30 વર્ષના હોવાની પ્રાથમિક વિગતો મળી છે.
મળતી માહિતી અનુસાર ત્રણેય મૃતક નાઇટ શિફ્ટ દરમિયાન કામ કરી રહ્યા હતાં, સફાઇ માટે તેઓ વૉશિંગ ટાંકીમાં પડ્યા હતાં, પરંતુ બહાર આવવામાં નિષ્ફળ ગયા અને રાતભર ટાંકીમાં જ રહ્યા હતાં. હાલ પોલીસે આ અંગે ત્યાં હાજર અન્ય શ્રમિકો સાથે પૂછપરછ હાથ ધરી છે.