રાણપુરમાં મોટી દુર્ઘટના: કોઝવે પર જતી કાર તણાઈ, 2ના મોત, BAPS સ્વામી લાપતા
રાજ્યના ઘણા જીલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. ગોધવટા ગામ પાસે કાર તણાઇ હતી. બોચાસણથી સાળંગપુર તરફ જઈ રહેલી અર્ટીકા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. કારમાં સાત વ્યક્તિઓ સવાર હતાં. જેમાંથી 2ના મોત થયાં છે. એક સ્વામી લાપતા બન્યા છે, જ્યારે ચારનો આબાદ બચાવ થયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બોટાદ નજીક આજે એક મોટી દુર્ઘટના બની છે, જ્યાં એક કોઝ-વે પાર કરતી વખતે કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના બે હરિભક્તોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ હજુ પણ લાપતા છે. સદનસીબે, કારમાં સવાર અન્ય ચાર લોકોને આબાદ બચાવ થયો છે.
આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી ચાલુ કરી હતી. ચાર વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. એક વ્યક્તિની હજુ શોધખોળ ચાલી રહી છે. આ ઉપરાંત, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને બચાવ કામગીરીમાં જોડાઈ છે.
આ સંતો બોચાસણથી સાળંગપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર તણાઈ હતી. ભારે વરસાદને કારણે કોઝ-વે પર પાણીનો પ્રવાહ તેજ હતો, જેના કારણે કારે કાબૂ ગુમાવતાં પાણીમાં તણાઈ હતી. આ ઘટનાને લઈને BAPS સંપ્રદાય અને સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.