મહાશિવરાત્રી મેળો : ભવનાથમાં ભજન-ભોજન-ભક્તિનો ત્રિવેણી સંગમ
પ્રથમ દિવસે ભક્તોનો મહેરામણ ઊમટ્યો, ભંડારા, સાંસ્કૃતિક મંચ, ભજન, સંતવાણી સહિતના કાર્યક્રમો, તંત્ર દ્વારા સુચારુ સંચાલન
ભારતીય સનાતન સંસ્કૃતિ, સંત પરંપરા, ભક્તિ અને આસ્થાના વહેણમાં ડૂબકી લગાવી ભક્તો ધન્ય બન્યા
સ્વંયભૂ ભવનાથ મહાદેવ મંદિર, ભવનાથ તળેટી જૂનાગઢ ખાતે આજથી ભવ્ય અને દિવ્ય સુપ્રસિદ્ધ અને પૌરાણિક મહાશિવરાત્રી મેળો-2025નો ધ્વજારોહણ સાથે વિધિવત રીતે શુભારંભ કરવામાં આવ્યો હતો.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળામાં આવતા ભાવિક ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે સુચારું સંચાલન વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ સમિતિઓના માધ્યમથી તમામ પ્રકારની દેખરેખ રાખવામાં આવી રહી છે.
કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે સાંસ્કૃતિક મંચ, ભવનાથ તળેટી, જૂનાગઢ ખાતે આગામી તા. 25 ફેબ્રુઆરી સુધી દરરોજ રાત્રે સાંસ્કૃતિક ક્રાયક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. અહીં દરરોજ અલગ અલગ ભજનિક કલાકારો દ્વારા ભજન, લોકગીત, સંગીતની પ્રસ્તુતી કરવામાં આવશે. ગુજરાતના ગૌરવવંતા કલાકાર શ્રી હેમંતભાઈ ચૌહાણ, શ્રી રાજભા ગઢવી, શ્રી જીતુભાઈ દાદ સહિતના કલાકારો ભજન, સંતવાણીની પ્રસ્તુતી કરશે. ઉલ્લેખનીય છે કે, તા. 24 ફેબ્રુઆરીના રોજ રાત્રે 7 વાગ્યે નવયુવાઓના દિલની ધડકન એવું નઅઘોરી મ્યુઝિકથ બેન્ડ પોતાની કલાની પ્રસ્તુતી કરીને શ્રોતાગણને મંત્રમુગ્ધ કરશે. તા.22 ફેબ્રુઆરી, 2025ને શનિવારના રોજ અંધજન મંડળ જૂનાગઢ (શ્રી મીનરાજ શૈક્ષણિક સંકુલ જૂનાગઢ) ઉપરાંત શ્રી જયદીપભાઈ ગઢવી, શ્રી નરેશભાઈ રાવળ, શ્રી સાગરભાઈ કાચા, શ્રી દિવ્યેશભાઈ જેઠવા અને શ્રી મયુરભાઈ દવે સાંસ્કૃતિક મંચની શોભામાં અભિવૃદ્ધિ કરશે. તા. 23 ફેબ્રુઆરી,2025ને રવિવારના રોજ શ્રી જીતુભાઈ દાદ, શ્રી રાજુભાઈ ભટ્ટ, હેમંત ચૌહાણ,વિપુલ ત્રિવેદી,દર્પિત દવે, વિક્રમ લાબડીયા, રાજદાન ગઢવી સહિતના કલાકારો ભજન સંતવાણીની પ્રસ્તુતી કરશે. તા. 24 ફેબ્રુઆરી,2025, ને સોમવારના રોજ યુવાઓને પ્રિય એવું અઘોરી મ્યુઝિક બેન્ડ પોતાની કલાની પ્રસ્તુતી કરશે. તા. 25 ફેબ્રુઆરી,2025ને મંગળવારના રોજ ભવાની ટિપ્પણી રાસ-ચોરવાડ, હાટી ક્ષત્રિય રાસ મંડળ-માળીયાહાટીના અને ગુજરાતનું ઘરેણું એવા કલાકાર રાજભા ગઢવી સાહિત્ય સાથે સંતવાણીની પ્રસ્તુતી કરીને ઉપસ્થિત સૌ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. વર્ષ 2025માં જૂનાગઢ ખાતે આયોજિત મહાશિવરાત્રી મેળો-2025 મહોત્સવમાં લાખો ભાવિક ભક્તો ભગવાન ભવેશ્વર એવા શ્રી ભવનાથ મહાદેવના દર્શન કરીને દિવ્ય અનુભૂતિ પ્રાપ્ત કરશે. ગીરનાર, એ તીર્થક્ષેત્ર છે જ્યાં ભગવાન દત્તાત્રેય સહિત નવનાથ અને ચોર્યાસી સિધ્ધો તેમજ તેત્રીસ કોટી દેવો બિરાજે છે. જૈનમુનિ નેમિનાથની આ તપોભૂમિ છે. અહીં શ્રદ્ધાળુ અનેરી આસ્થા અને ભક્તિ સાથે આવતા હોય છે. આવો, સૌ મહાશિવરાત્રી મેળામાં સામેલ થઈને ભારતીય સનાતન સંસ્કૃતિ, સંત પરંપરા, ભક્તિ અને આસ્થાના વહેતા ઝરણામાં ડૂબકી લગાવીએ અને પુણ્યશાળી બનીએ.
પ્રથમ દિવસે 1200 ભક્તોએ એસ.ટી.ની સેવાનો લાભ લીધો
જૂનાગઢ સ્વંયભૂ ભવનાથ મહાદેવ મંદિર, ભવનાથ તળેટી જૂનાગઢ ખાતે તા.22 થી ભવ્ય અને દિવ્ય સુપ્રસિદ્ધ અને પૌરાણિક મહાશિવરાત્રી મેળો-2025નો ધ્વજારોહણ સાથે વિધિવત રીતે શુભારંભ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, આજે પ્રથમ દિવસે સવારના 10 વાગ્યાથી બપોરના 04 વાગ્યા સુધીમાં કુલ 1200 થી વધુ ભાવિક ભકતોએ એસ.ટી.તંત્રની વિશેષ સેવાનો લાભ લીધો હતો. એસ.ટી તંત્ર ભાવિક ભક્તોને કોઈ અગવડતા ન પડે તેની વિશેષ કાળજી લઈ રહયું છે. મહાશિવરાત્રી મેળામાં એસ.ટી તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. એસ.ટી. બસ સ્ટેશન થી ભવનાથ તળેટી જૂનાગઢ સુધી આવન જાવન માટે ભાવિક ભક્તોને કોઈ અગવડતા ન પડે અને વધુ ભાડું ન ચૂકવવું પડે તે માટે વિશેષ નિર્ણય કરવામાં આવ્યો છે. 200 થી વધુ વધારાની એસ.ટી. બસ મુકવામાં આવી છે જેમાં ભાવિક ભક્તો આરામદાયક મુસાફરી કરી શકશે. ભાવિક ભક્તોને માત્ર રૂૂ. 25માં સ્થાનિક મુસાફરીનો લાભ પ્રાપ્ત થશે. ભાવિક ભક્તો સુવિધાયુકત મુસાફરીનો આનંદ માણીને એસ.ટી તંત્રનો ધન્યવાદ વ્યક્ત કરી રહયા છે.
મેળાના પ્રથમ દિવસે 268ને શરદી અને 448ને સારવાર આપતું આરોગ્ય તંત્ર
મહાશિવરાત્રીના મેળામાં પ્રથમ દિવસે આરોગ્ય તંત્રના દસેક હેલ્થ પોઇન્ટ પર 268 વ્યક્તિઓએ શરદીની સારવાર લીધી હતી. જ્યારે 448 વ્યક્તિઓને શરીરના દુખાવાની દવા આરોગ્ય સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી. તળેટીમાં રાત્રે અને સવારે અને બપોરે મિશ્ર ઋતુની અસર છે. બપોરના અરસામાં વધારે પાણીની જરૂૂરિયાત રહે છે.તંત્ર દ્વારા પૂરતા પાણીની વ્યવસ્થા કરી પાણીની ગુણવત્તા પણ ચકાસવામાં આવે છે. ગઈકાલે 114 જેટલા પાણીના સોર્સ પર ટેસ્ટીંગ પણ કર્યું હતું. પ્રથમ દિવસે સ્થાનિક શહેરીજનોની મોટી ભીડ છતાં પોલીસ સહિત સંકલિત વિભાગોની સુંદર ટ્રાફિક સંકલન વ્યવસ્થાને કારણે લોકોએ શિવ આરાધના ભજનો, વહીવટી તંત્ર આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિવિધ વસ્તુઓની ખરીદી કરી મહાપ્રસાદ સાથે આનંદથી મેળો માણ્યો હતો.
ઉનાળાના ધોમ ધખતા તાપમાં પાણીની તરસ સંતોષતા યાત્રિકો
જૂનાગઢના ભવનાથના મેળામાં તંત્ર દ્વારા લાખો ભાવિકો માટે પીવાના પાણીની પાયાની વ્યવસ્થા કરવામાં આવી છે. શિવરાત્રિ મેળામાં ભાવિક ભકતો દૂર દૂરના સ્થળેથી આસ્થા સાથે ભવેશ્વર ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે. ભકતજનો, દિગંબર સાધુ, સંતોને પીવાના શુદ્ધ પાણીની સગવડતા મળી રહે અને તેમને કોઈ અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. ઉનાળાની શરુઆત છે, બપોરના સમયે તાપમાન પણ વધુ રહે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ પીવાના પાણીની વ્યવસ્થા થકી બપોરના ધોમ ધખતા તાપમાં મહાદેવના ભક્તો પાણીની તરસ સંતોષી રહ્યા છે. મહાનગરપાલિકા અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા વધારાની ટાંકીઓ પણ મૂકવામાં આવી છે.
વીજપૂરવઠો પુરો પાડવા માટે રાઉન્ડ ધ ક્લોક 33 ટીમ કાર્યરત
પી.જી.વી.સી.એલ જૂનાગઢ દ્વારા મેળા દરમિયાન સતત વીજ પુરવઠો પૂરો પાડવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. 132 કેવી ભવનાથ સબ સ્ટેશનમાંથી નીકળતાં અંબાજી ફીડર દ્વારા સતત વીજ પુરવઠો શરૂૂ છે. ઉપરાંત રાઉન્ડ ધ ક્લોક 33 ટીમ કાર્યરત છે. મેળા દરમિયાન અલગ અલગ ઉતારા માટે કુલ 30 હંગામી વીજ જોડાણની કામગીરી શરૂૂ કરવામાં આવી હતી જે પ્રગતિ હેઠળ છે. વીજ લાઈન બાબતે સતત તકેદારી પણ રાખવામાં આવી રહી છે. અંબાજી ફીડરમાં મોટાભાગની એચ.ટી લાઇન અંડરગ્રાઉન્ડ રાખવામાં આવી છે. તથા ફીડર સાથે આ વિસ્તારના કુલ 56 વીજ ટ્રાન્સફોર્મર થકી ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. સંપૂર્ણ ફીડર તથા તેની નીચેના તમામ વીજ ટ્રાન્સફોર્મર સેન્ટર તથા હળવા દબાણની વીજ લાઇન પી.જી.વી.સલી.એલ દ્વારા ચેક કરી તેનું રીપોર્ટિંગ પણ કરવામાં આવેલ છે.
સિવિલ હોસ્પિટલ જૂનાગઢ સંચાલિત રાઉન્ડ ધ ક્લોક આરોગ્ય સેવાયજ્ઞ
સ્વંયભૂ ભવનાથ મહાદેવ મંદિર, ભવનાથ તળેટી જૂનાગઢ ખાતે આજથી ભવ્ય અને દિવ્ય સુપ્રસિદ્ધ અને પૌરાણિક મહાશિવરાત્રી મેળો-2025નો ધ્વજારોહણ સાથે વિધિવત રીતે શુભારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળામાં આવતા ભાવિક ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે સુચારું સંચાલન વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ સમિતિઓના માધ્યમથી તમામ પ્રકારની દેખરેખ રાખવામાં આવી રહી છે. મેળા દરમિયાન ભીડના કારણે શ્વાસ રૂૂંધાઈ જવો, હીટ સ્ટ્રોક લાગવો, સતત ચાલવાથી થાક અનુભવવો ઉપરાંત ઇમરજન્સીના સમયે તત્કાલ મદદ મળી રહે અને સારવાર કરી શકાય તે માટે શ્રી નાકોડા ભૈરવ ચિકિત્સાલય, ભવનાથ તળેટી ખાતે જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ જૂનાગઢ સંચાલિત રાઉન્ડ ધ ક્લોક આરોગ્ય સેવાયજ્ઞ માટે આરોગ્ય સેન્ટર ઉભુ કરવામાં આવ્યુ છે.