મહારાષ્ટ્રમાં ગુજરાત કરતા 3.17 લાખ કરોડ ઓછું મૂડીરોકાણ છતાં આવક વધુ
ગુજરાતીઓનું દેશમાં વેપાર-ધંધામાં નામ છે પરંતુ આજે આવેલા આંકડા ઉપરથી વેપાર-ધંધામાં રોકાણ સામે રિટર્ન આપવામાં ગુજરાત મહારાષ્ટ્રથી ઘણુ પાછળ છે. મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં કારખાનાઓની સંખ્યા આશરે 4000 જેટલી વધુ છે અને કારખાનામાં મુડી રોકાણ પણ મહારાષ્ટ્ર કરતા ઘણુ વધારે છે. પરંતુ રાષ્ટ્રની આવકમાં ગ્રોસ વેલ્યુ એડીશનમાં ગુજરાત ઘણુ પાછળ છે.
ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં 3 રાજયો મહત્વનો અને મોટ્ટો હિસ્સો ધરાવે છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુનો સમાવેશ થાય છે. સમગ્ર દેશની ફેકટરીઓમાં ઉત્પન્ન થતા માલના કુલ મુલ્યના 41.44% હિસ્સો આ ત્રણ રાજયો ધરાવે છે. આ ગ્રોસ વેલ્યુ એડીશનના હિસ્સામાં મહારાષ્ટ્રનો હિસ્સો 16.33% છે. જયારે ગુજરાતનો ફાળો 14.78% અને તમિલનાડુનો ફાળો 10.33% છે. ઇન્ડસ્ટ્રીયલ ફેકટરી સેકટરના પરિણામોના અહેવાલમાં કેન્દ્ર સરકાર દ્વારા આ માહિતી બહાર પાડવામાં આવી છે.
ફેકટરીઓની સંખ્યાની દ્રષ્ટિએ તમિલનાડુ રાજય સૌથી વધારે ચાલુ હાલતમાં ફેકટરીઓ છે. તમિલનાડુમાં ઓપરેટીંગ ફેકટરીઓ 31પ17 છે અને ફેકટરીઓમાં અંદાજે 27 લાખ 7પ હજાર લોકોને રોજગારી આપવામાં આવે છે. પરંતુ આ ફેકટરીઓનો દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ફાળો માત્ર 10% છે. જેની સરખામણીમાં ગુજરાતમાં રૂા. 8.10 લાખ કરોડના મુડી રોકાણના ખર્ચે 24811 ફેકટરી ધમધમે છે અને કુલ 23 લાખ 35 હજાર લોકોને રોજગારી આપવામાં આવે છે.
દેશના કુલ ઉદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત રાજયનો હિસ્સો 14.78 % છે.
ભારતમાં દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં સૌથી વધુ હિસ્સો મહારાષ્ટ્ર રાજય ધરાવે છે. મહારાષ્ટ્ર રાજયનો કુલ હિસ્સો 16.33 % છે. મહારાષ્ટ્રમાં ગુજરાતની સરખામણીમાં ઘણી ઓછી ફેકટરીઓ અને ગુજરાત કરતા 3 લાખ કરોડ જેટલુ ઓછુ મુડી રોકાણ છે. આમ છતા 23.75 લાખ લોકોને રોજગારી આપે છે. મહારાષ્ટ્રમાં કુલ 20739 ફેકટરીઓ ધમધમે છે અને તેમાં કુલ 4.93 લાખ કરોડનુ મુડી રોકાણ કરવામાં આવ્યુ છે.