મહંત અને શિષ્યોએ GST કમિશનરની કારમાં ધોકાવાળી કરી
રોંગ સાઇડમાં કાર ધૂસાડી માથાકૂટ કરી: વાગુદળ આશ્રમના મહંત સહિત ત્રણની ધરપકડ
શહેરના મહિલા કોલેજ અન્ડર બ્રીજમાં રાતે એક મહંતે જીએસટી કમિશનરની કારનો કાચ ફોડી નાખતા અને સાથેના શખ્સો ત્રણ શખ્સોએ પણ ગાળો દઇ તેમજ એક શખ્સે ફરસી લઇ નીચે ઉતરી ભય ફેલાવતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. પોલીસે ગુનો નોંધી વાગુદળ આશ્રમના મહંત સહિત ત્રણને પકડી લીધા હતાં. ચોથો શખ્સ ભાગી ગયો હતો.
પોલીસે જામનગર રોડ પર શેઠનગર પાછળ વાલ્મિકીનગર સોસાયટી મકાન નં. 18માં રહેતાં અને સેન્ટ્રલ જીએસટી રાજકોટ ખાતે કોન્ટ્રાક્ટ બેઝ પર ઇનોવા કારનું ડ્રાઇવીંગ કરતાં ભાવીનભાઇ મનસુખભાઇ બેરડીયા (ઉ.વ.25)ની ફરિયાદ પરથી જેતપુરના વિરપુર ગામે ગોરધનભાઇ ધામેલીયાના ડેલામાં રહેતાં અને…ના મહંતયોગી ધરમનાથ ઉર્ફ જીજ્ઞેશકુમાર નવીનચંદ્ર ધામેલીયા (ઉ.વ.44), પર્ણ કુટીર સોસાયટી વિદ્યાકુંજ મેઇન રોડ પર રૂૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ એ-501માં રહેતાં કારખાનેદાર ચિરાગ પ્રવિણભાઇ કાલરીયા (ઉ.વ.42) અને મેટોડા જુની પંચાયત ઓફિસ સામે રહેતાં પ્રવિણ વાઘજીભાઇ મેર (ઉ.વ.42) તથા અભિષેક વિરૂૂધ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી ત્રણને પકડી લીધા હતાં. જ્યારે અભિષેક ભાગી ગયો હતો.
ભાવીનભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે રાતે પોણા નવેક વાગ્યે પોતે ઇનોવા કાર લઇને જીએસટીના અપિલ કમિશનર એસ. પી. સિંઘને કાલાવડ રોડ પર આવેલા પ્રેમ મંદિર પાસે ઉતારીને પરત રેસકોર્ષ રીંગ રોડ પરની જીએસટીની ઓફિસે ગાડી મુકવા જતો હતો.ત્યારે મહિલા કોલેજ અન્ડર બ્રીજ ચોકમાં પહોંચતા કિસાનપરા ચોક તરફથી ઇનોવાની સામે રોંગ સાઇડમાં એક કાર આવતી દેખાતા ભાવિનભાઈએ પોતાની ગાડી ઉભી રાખી દીધી હતી.સામેની કારના ચાલકે પણ ભાવિનભાઈની કારની સામે કાર ઉભી રાખી દીધી હતી.
ત્યારબાદ એ કારમાં ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલા સાધુ જેવા કપડા પહરેલા માણસ હાથમાં પિત્તળની કુંડલીવાળી લાકડી લઇને ઉતરેલ અને ફરિયાદી ભાવિનભાઈની ગાડીના બોનેટ પર ધૂંબો મારી ગાડી પાછળ લઇ લેવા ઇશારાથી કહ્યું હતુ.બાદમાં ભાવિનભાઈ ડ્રાઇવીંગ સીટ પર હતા ત્યાં સાધુ તેમની પાસે જઈ કાચ ખોલવા ઇશારાથી કહ્યું હતું.કાચ ન ખોલતાં તેણે ગાડીની પાછળ જઇ લાકડીથી ફટકારી ગાડીનો પાછળનો કાચ ફોડી નાખ્યો હતો.ભાવિનભાઈ એકલા હોવાથી કારમાંથી નીચે ઉતર્યા નહોતા.
બાદમાં સામેની કારમાંથી બીજા બે શખ્સો ઉતર્યા હતાં.ડ્રાઇવર તેમાં જ બેઠેલો હતો.બે શખ્સો નીચે ઉતર્યા તેમાંથી એકના હાથમાં પિત્તળ જેવી ફરસી હતી,એ બંનેએ ભાવિનભાઈને ગાળો દીધી હતી.એ પછી આ બંનેએ પોતાની કારને અંદર બેઠેલા ચાલકને ઇશારો કરી રિવર્સ લેવડાવી હતી.એ પછી તે ગાડીનો ચાલક પણ નીચે ઉતરીને આવ્યો હતો અને ગાળો દીધી હતી.ફરિયાદી ભાવિનભાઈએ કારમાંથી રોંગ સાઇડમાં આવેલી બ્રેઝા કારનો ફોટો પાડી લીધો હતો.આ પછી ત્યાં લોકો ભેગા થઇ ગયા હતાં અને ભાવિનભાઈએ 100 નંબરમાં ફોન કરતાં પોલીસ પણ આવી ગઇ હતી.
આ વખતે એક શખ્સ ભાગી ગયો હતો. બાકીના ત્રણને પોલીસ સ્ટેશને લઇ જવાયા હતાં. આ ત્રણેયએ પુછતાછમાં પોતાના નામ જણાવ્યા હતાં. બ્રેઝા કારના ચાલકે પોતાનું નામ ચિરાગ કાલરીયા(ધંધો.કારખાનેદાર), સાધુએ પોતાનું નામ મહંતયોગી ધરમનાથ ઉર્ફ જીતેશકુમાર નવીનચંદ્ર ધામેલીયા અને ફરસી લઇને ઉતરેલા શખ્સે પોતાનું નામ પ્રવિણ મેર(રહે.મેટોળા) કહ્યું હતું. ભાગી જનારનું નામ અભિષેક હતું.
રૂૂરલ એસપીના કમાન્ડો અને લોકોએ મહંત સહિત ત્રણને પકડી પોલીસને સોંપ્યા: ટ્રાફિકજામ સર્જાયો
બનાવ સ્થળે રૂૂરલ એસપીના કમાન્ડો પણ પસાર થતાં હોઇ તેમણે અને બીજા લોકોએ મહંતની ટીંગાટોળી કરી પોલીસને સોંપ્યા હતાં. પીઆઇ આર. જે. બારોટની રાહબરીમાં પીએસઆઇ એચ. એન. ગઢવીએ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. મહંતયોગી ધરમનાથે સવારે એવુ રટણ કર્યુ હતું કે અમે રાજકોટ હોસ્પિટલના કામે આવ્યા હતાં. ઉતાવળને કારણે કાર રોંગ સાઇડમાં આવી ગઇ હતી.તેમજ આ ઘટના બની ત્યારે લોકો ત્યાં તમાશો જોવા ઉભા રહેતા ટ્રાફિક જામ થયો હતો.જોકે બાદમાં પોલીસ આવી ગઈ હતી.