મહાદેવ ભારતી બાપુનું રહસ્ય ઘેરાયું, ગુમ થયા બાદ ફોન કર્યો, સ્થળ પર ગયા તો મળ્યા નહીં
જૂનાગઢના ભારતી આશ્રમના લઘુ મહંતે મધરાત્રે ટ્રસ્ટીને ફોન કરી કહયું, મારી ભૂલ થઇ ગઇ
જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા સુપ્રસિદ્ધ ભારતી આશ્રમના લઘુમહંત 1008 મહામંડલેશ્વર મહાદેવભારતીજીના ગુમ થવાના કેસમાં મોડીરાત્રે એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. મહાદેવભારતી બાપુ 2 નવેમ્બરની વહેલી સવારે 3.47 વાગ્યે પાંચ પાનાંની સુસાઇડ નોટ લખીને આશ્રમમાંથી નીકળી ગયા હતા. આશ્રમ સંચાલકોએ પોલીસને જાણ કર્યા બાદ ભવનાથ પોલીસ અને જૂનાગઢ પોલીસની અલગ-અલગ ટીમો તેમની શોધખોળ કરી રહી હતી તેમના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં તેઓ આશ્રમમાંથી નીકળીને જતા જોવા મળે છે. આ દરમિયાન મોડીરાત્રે લગભગ 3:30 વાગ્યાના આસપાસ, ગુમ થયેલા મહાદેવ ભારતીજીએ આશ્રમના એક ટ્રસ્ટીને ફોન કર્યો હતો. તેમણે ફોન પર કહ્યું હતું કે હું જટાશંકર છું, મને અહીંથી લઈ જાઓ, મારી ભૂલ થઈ ગઈ છે. હું ફરી પાછો આશ્રમે આવવા માગું છું.
ટ્રસ્ટીને ફોન આવ્યા બાદ સંચાલકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ અને સેવકગણ તાત્કાલિક જટાશંકર વિસ્તારમાં પહોંચ્યા હતા, પરંતુ મોબાઈલ લોકેશનના આધારે શોધખોળ કરવા છતાં ત્યાંથી પણ બાપુ ગાયબ મળી આવ્યા હતા. પોલીસે વહેલી સવાર સુધી સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું અને હાલ પણ અલગ-અલગ ઈઈઝટ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ ચાલી રહી છે.
મહાદેવભારતીજીએ સુસાઇડ નોટમાં કેટલાક લોકો પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે લખ્યું છે કે હિતેશ, કૃણાલ અને પરમેશ્વર ભારતી તેમને છેલ્લાં ત્રણ વર્ષથી માનસિક ટોર્ચરિંગ કરી રહ્યા હતા, જે છેલ્લા પાંચ મહિનામાં ખૂબ જ વધી ગયું હતું. આ લોકોના ત્રાસથી તેઓ પોતાનું જીવન પૂર્ણ કરવા જઈ રહ્યા છે અને ગિરનારના સાન્નિધ્યમાં જંગલમાં જઈને આ પગલું ભરવા મજબૂર થયા છે.