80 કલાક બાદ મહાદેવ ભારતી બાપુ જંગલમાંથી મળ્યા, સિવિલમાં દાખલ
છેલ્લા ત્રણ દિવસથી ગુમ મહાદેવ ભારતી બાપુને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે..80 કલાક બાદ મહાદેવ ભારતી બાપુ જૂનાગઢના જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા છે. તેમને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમાચાર મળતા જ ભારતી આશ્રમના મહંત મહામંડલેશ્વર હરિહરાનંદ, ઇન્દ્રભારતી બાપુ સહિતના સાધુ-સંતો પણ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે.
પોલીસ અને SDRFનું મેગા સર્ચ ઑપરેશન બાદ મહાદેવ ભારતી બાપુ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા છે. બાપુની ભાળ મેળવવા માટે જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ગીરનારના જંગલમાં વ્યાપક સ્તરે સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઑપરેશનમાં પોલીસની 8 ટીમો તહેનાત કરવામાં આવી હતી, જેમાં 300થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. આ સંયુક્ત ઑપરેશનમાં 240થી વધારે પોલીસ સ્ટાફ, 40થી વધુ SDRFના જવાનો અને 30થી વધુ વન વિભાગના કર્મચારીઓ સામેલ થયા હતા.
ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના લઘુમહંત 1008 મહામંડલેશ્વર મહાદેવભારતી 2 નવેમ્બરે વહેલી સવારના 3.47 વાગ્યે 5 પાનાની સુસાઇડ નોટ લખી આશ્રમમાંથી ગુમ થયા હતાં. બાપુએ લખેલી સુસાઇડ નોટ મળ્યા બાદ જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તેમને સહીસલામત શોધવા માટે ગીરનારના જંગલમાં એક વિશાળ સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.સર્ચ ઑપરેશનની શરૂઆત જટાશંકર મંદિરના વિસ્તાર પાસેથી કરવામાં આવી હતી.