ભવ્ય આતશબાજી: આકાશમાં છવાયો રોશનીનો રંગબેરંગી અદ્ભૂત નજારો
રાજકોટના રેસકોર્સ ખાતે આવેલ માધવરાવ સિંધયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો. મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો ખરીદી ન શકે તે પ્રકારના અવનવા મોંઘા ફટાકડાઓ ફોડી એક કલાક સુધી શહેરીજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. સાંજે સાત વાગ્યે કાર્યક્રમ શરૂ થતા રેસકોર્સનું સ્ટેડિયમ શહેરીજનોથી છલકાઇ ગયુ હતુ. બાળકો સાથે વડીલો અને માતા-બહેનોએ ભવ્ય આતશબાજીનો આકાશી નજારો માણ્યો હતો. આ વખતે પણ અલગ અલગ થીમ બેઇઝ ફટાકડાઓએ લોકોમાં અનેરું આકર્ષણ ઉભુ કર્યુ હતું. દિવાળીનો સાંસ્કૃતિક વારસો આગળ ધપાવવા માટે દર વર્ષે મનપા દ્વારા ધનતેરસના દિવસે આતશબાજીનું આયોજન કરવામાં આવી રહ્યુ છે અને લોકો પણ આતશબાજીની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. જેના લીધે આતશબાજીના દિવસે સાંજે પાંચ વાગ્યાથી શહેરભરમાંથી લોકોનો પ્રવાહ સ્ટેડિયમ તરફ જોવા મળ્યો હતો.
તંત્રએ પણ આ વખતે હાલના લેટ્સ તેમજ અવનવી વેરાયટીના ફટાકડાઓની ભવ્ય આતશબાજી કરી લોકોને મનોરંજન પૂરુ પાડી દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. આતશબાજી કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂૂઆત કરી હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા મંચસ્થ મહાનુભાવો અને નગરજનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ મંચસ્થ મહાનુભાવોનું ખાદીના રૂૂમાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. ઉપસ્થિત સૌ મહાનુભાવો અને શહેરીજનોએ વિકસિત ભારતના સંકલ્પ લીધા અને ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે આતશબાજીનો ડીજિટલી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આતશબાજીમાં પ્રદર્શિત થયેલી ફટાકડાની અવનવી વેરાયટીની હજારો લોકોએ હર્ષોલ્લાસ અને ચિચિયારી સાથે મજા માણી હતી અને કાર્યક્રમના અંતે સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
