રાજ્યના 33મા મુખ્ય સચિવ તરીકે કાર્યભાર સંભાળતા એમ. કે. દાસ
વરિષ્ઠ IAS અધિકારી મનોજ કુમાર દાસ (એમ. કે. દાસ)એ આજે ગુજરાતના 33મા મુખ્ય સચિવ તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. 1990ની બેચના આ અધિકારી ડિસેમ્બર 2026 સુધી આ મહત્ત્વપૂર્ણ પદ પર રહેશે. વર્તમાન સચિવ પંકજ જોશીનો કાર્યકાળ સમાપ્ત થતાં તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. ચાર્જ સંભાળ્યા બાદ મુખ્ય સચિવ એમ. કે. દાસે મીડિયાને સંબોધતા પોતાનું નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે મુખ્યત્વે વિકાસ અને સરળ વહીવટી પ્રક્રિયા પર ભાર મૂક્યો હતો.
એમ. કે. દાસે નિવેદનમાં જણાવ્યું કે મારા માટે આ સૌભાગ્યની વાત છે. મુખ્યમંત્રીએ મારા પર વિશ્વાસ મૂક્યો અને મને ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક આપી છે. હું મુખ્યમંત્રી અને ભારત સરકારના માર્ગદર્શનમાં સતત કામગીરી કરતો રહીશ.
ભારતે વિકસિત ભારતનો જે રોડમેપ તૈયાર કર્યો છે, તેના માટે મારે મહેનત કરવાની છે. દેશમાં ગુજરાત હંમેશા મોખરે રહ્યું છે અને ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. આવા હિસ્ટોરિકલ સમયમાં મને કામ કરવાની તક મળી તે બદલ હું આભારી રહીશ. ગુજરાતની વહીવટી પ્રક્રિયા કેવી રીતે સરળ થાય અને જાહેર જનતાને કેવી રીતે સરળતા થાય તેવા પ્રયાસો હું સતત કરતો રહીશ. નવા મુખ્ય સચિવે ગુજરાતના વિકાસની ગતિ જાળવી રાખવા અને વહીવટી પારદર્શિતા લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
