For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ સહિત 12 જિલ્લામાં લમ્પીનો હાહાકાર, 462 કેસ નોંધાયા

11:48 AM Aug 08, 2025 IST | Bhumika
રાજકોટ સહિત 12 જિલ્લામાં લમ્પીનો હાહાકાર  462 કેસ નોંધાયા

28થી વધુ પશુઓ સારવાર હેઠળ, અત્યાર સુધીમાં 23 લાખથી વધુ પશુઓને રસીકરણ કરાયું

Advertisement

રાજ્યના કેટલાક વિસ્તારના ગૌ વંશમાં ફરી એકવાર લમ્પી રોગનો ફેલાવો ધ્યાને આવતા પશુપાલન મંત્રી રાઘવજી પટેલના દિશાનિર્દેશથી રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે લમ્પીગ્રસ્ત પશુઓની ઘનિષ્ઠ સારવાર હાથ ધરવામાં આવી હતી. સાથે જ, આસપાસના વિસ્તારોના સ્વસ્થ પશુઓમાં આ રોગ પ્રસરે નહિ, તે માટે સઘન રોગપ્રતિકારક રસીકરણ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું.

વરસાદી વાતાવરણમાં મચ્છર/માખીઓનો ઉપદ્રવ વધતા રાજ્યના 12 જિલ્લાના 172 ગામમાં લમ્પીના અત્યાર સુધીમાં 462 કેસ નોંધાયા હતા. રાજ્યના ગૌ વંશને મચ્છર/માખીથી ફેલાતા આ લમ્પી રોગથી બચાવવા માટે પશુપાલન વિભાગ દ્વારા તુરંત જ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેવામાં આવી હતી અને લમ્પીગ્રસ્ત પશુઓને અલગ કરીને તેમની સઘન સારવાર શરુ કરવામાં આવી હતી.

Advertisement

પશુ ચિકિત્સકો દ્વારા અસરગ્રસ્ત પશુઓને ઘનિષ્ઠ સારવાર આપવામાં આવી હતી, જેના પરિણામે આજે 426 પશુઓ સ્વસ્થ થયા છે. જ્યારે, 28 પશુઓ સારવાર હેઠળ છે. પશુપાલન વિભાગ દ્વારા સારવાર હેઠળના અસરગ્રસ્ત ગૌ વંશનું નિયમિત ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિદ્રારકા, જામનગર, મોરબી, અમરેલી, બોટાદ, કચ્છ, સુરત, નવસારી, તાપી અને અમદાવાદને મળીને કુલ 12 અસરગ્રસ્ત જિલ્લામાં પશુઓને લમ્પીથી રક્ષિત કરવા સર્વેલન્સ અને રસીકરણની કામગીરી પણ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના ગૌ વંશને લમ્પી રોગ સામે રક્ષણ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત જિલ્લાના 7 લાખથી વધુ પશુઓને મળીને સમગ્ર રાજ્યના કુલ 23 લાખથી વધુ પશુઓનું વર્ષ 2025 દરમિયાન રોગપ્રતિકારક રસીકરણ કરવામાં આવ્યું છે. આ રસીકરણના પરિણામે જ ગુજરાતના મહત્તમ પશુઓને લમ્પીમુક્ત રાખવામાં સફળતા મળી છે. રાજ્યમાં હજુ પણ ક્યાંય પશુઓમાં લમ્પી રોગ જણાય તો પશુપાલકોએ તુરંત જ ટોલ ફ્રી નંબર-1962 પર સંપર્ક કરીને અથવા નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવાનો રહેશે, જેથી અસરગ્રસ્ત પશુને ઝડપથી સારવાર આપીને સ્વસ્થ કરી શકાય. નોંધનિય છે કે, ગયા વર્ષે પણ લમ્પી વાયરસે કહેર વર્તાવ્યો હતો. જો કે, આ વર્ષે સરકારે મોટા પ્રમાણમાં રસીકરણ કરી પશુઓને રક્ષણ પુરુ પાડ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement