પ્રેમિકાએ લગ્ન કરી બાળકને જન્મ આપ્યાની જાણ થતા પ્રેમીનો આપઘાત
શહેરમાં સોની બજાર વિસ્તારમાં રહેતાં બંગાળી કારીગરને અંધારામાં રાખી પ્રેમિકાએ લગ્ન કરી લીધા બાદ બાળકને જન્મ આપ્યો હતો. પ્રેમિકાએ લગ્ન કરી બાળકને જન્મ આપ્યાની પોસ્ટ ઈન્સ્ટાગ્રામમાં પ્રેમી જોઈ જતાં માઠુ લાગી આવ્યું હતું અને પોતાના ઘરની બારીમાં ગમછો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી બંગાળી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સોની બજારમાં આવેલ બોઘાણી શેરીમાં રહેતા દિપક રવાભાઈ દાસ નામનો 20 વર્ષનો યુવાન મધરાત્રે મકાનની બહારની સાઈડમાં આવેલી બારીમાં ગમછો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વહેલી સવારે યુવકને ટીંગાતો જોઈ 108ને જાણ કરવામાં આવી હતી.
108ની ટીમે ઘટના સ્થળે દોડી જઈ યુવકને નિસ્પ્રાણ જાહેર કર્યો હતો. ઘટના અંગે જાણ થતાં એ-ડીવીઝન પોલીસ મથકની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક દિપક દાસ મુળ બંગાળનો વતની છે અને રાજકોટમાં રહી મજુરી કામ કરતો હતો. દિપક દાસ અપરિણીત હતો અને તેના વતનમાં રહેતી યુવતી સાથે તેને પ્રેમ સંબંધ હતો.
પરંતુ પ્રેમિકાએ દિપક દાસને અંધારામાં રાખી અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા હતાં અને લગ્ન બાદ પ્રેમિકાએ બાળકને જન્મ પણ આપ્યો હતો. પ્રેમિકાએ લગ્ન કરી બાળકને જન્મ આપ્યો હોવાની કોઈએ ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ મુકી હતી જે દિપક દાસ જોઈ જતાં પ્રેમિકાએ અંધારામાં રાખી લગ્ન કરી બાળકને જન્મ આપ્યો હોવાથી માઠુ લાગતાં દિપક દાસે આત્મઘાતી પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે એ-ડીવીઝન પોલીસ મથકના એએસઆઈ રમેશભાઈ ચૌહાણ અને રાયટર વિજયભાઈ સહિતના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.