ચુડામાં પ્રેમલગ્ન મામલે ધિંગાણું: 21 લોકોના ટોળા સામે ફરિયાદ
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામમાં પ્રેમલગ્નને લઈને ઊભા થયેલા મનદુ:ખે હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું હતું. યુવતીના પરિવારજનો દ્વારા યુવકના કાકાના ઘર પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, 20થી વધુ લોકોના ટોળાએ એકસંપ થઈને, ઘાતક હથિયારો સાથે યુવકના કાકાના ઘર પર હુમલો કર્યો હતો. આ હુમલા પાછળનું મુખ્ય કારણ યુવક અને યુવતીના પ્રેમલગ્ન હોવાનું માનવામાં આવે છે, જે બાબતે યુવતીનો પરિવાર નારાજ હતો અને બદલો લેવાના ઇરાદે આ કૃત્ય આચરવામાં આવ્યું હતું.હુમલાખોરોએ માત્ર ઘર પર પથ્થરમારો કે ધાકધમકી જ નહીં, પણ યુવકના કાકાના પરિવારને જાનમાલનું મોટું નુકસાન પહોંચાડ્યું હતું. હુમલાખોરોએ ઘરમાં પાર્ક કરેલી કાર અને અન્ય ઘરવખરીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
આ ઉપરાંત, હુમલાના વિરોધમાં આવેલા યુવાનના કાકા અને તેમના પરિવારજનોને પણ માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેમને ઇજાઓ પહોંચી હતી. આ હિંસક હુમલાના કારણે વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. હુમલાખોરોએ કાયદાને પોતાના હાથમાં લઈને ગુંડાગીરી આચરી હતી, જે લોકશાહીમાં અસ્વીકાર્ય છે.
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ચુડા પોલીસ મથકે દોડી ગઈ હતી. યુવકના કાકા દ્વારા આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે હુમલામાં સંડોવાયેલા 21 લોકો સામે કાયદેસરનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂૂ કરી છે. પોલીસે હવે હુમલાખોરોને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂૂ કરી છે. કાયદાનું પાલન કરાવતી પોલીસે ખાતરી આપી છે કે પ્રેમલગ્નનું મનદુ:ખ રાખીને હિંસા આચરનાર તમામ આરોપીઓને જલ્દીમાં જલ્દી પકડી પાડીને કાયદાનું ભાન કરાવવામાં આવશે.
