રાજકોટમાં રાત્રે 12 વાગ્યા બાદ લારી-ગલ્લા-હોટેલો બંધ
વધતી જતી ગુનાખોરી ડામવા પોલીસ કમિશનરનો આદેશ, રાત્રે કારણ વગર રખડતા લુખ્ખા તત્વોને પણ ઘરભેગા કરી દેવાશે
અસામાજિક તત્વો ઉપર સકંજો કસવા અને ગુનાખોરી ઉપર અંકુશ લગાવવા માટે પોલીસ કમિશનર દ્વારા શહેરનાં ન્યુશન્સ પોઈન્ટ ગણાતા લારી ગલ્લા અને હોટલોને 12 વાગ્યે બંધ કરાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે સ્થાનિક રાજકીય અગ્રણીઓના અભિપ્રાય બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે રાત્રે 12 વાગ્યા બાદ પોલીસ આવા ન્યુશન્સ પોઈન્ટ ઉપર તુટી પડશે. શહેરમાં વધી રહેલી ગુંડાગીરી અને અસામાજિક પ્રવૃતિને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શહેરના કેટલાક ન્યુશન્સ પોઈન્ટ ખાસ કરીને ચાની હોટલો, પાનના ગલ્લા તેમજ નોનવેજની લારી અને હોટલાએ અસામાજિક પ્રવૃતિઓ કરતાં તત્વોનો જમાવડો રહેતો હોય અને જેના કારણે શહેરમાં વધી રહેલી ગુનાખોરીમાં વધારો થતો હોય મોડી રાત્રે રખડતાં આ તત્વો ગુનાઓને અંજામ આપતાં હોય ત્યારે આવા લુખ્ખાઓને અને નશાખોરી હુમલા અને ચોરીના બનાવો રોકવા અને લુખ્ખાઓને કાયદાઓનું ભાન કરાવવાના ઉદેશથી રાત્રીનાં 12 વાગ્યા બાદ ચાની દુકાનો તેમજ લારી ગલ્લાને બંધ કરાવવામાં આવશે. પોલીસ દ્વારા રાત્રે શહેરભરનાં રાજમાર્ગો ઉપર કડક ચેકીંગ પણ કરશે અને જાહેરમાં હથિયારો લઈને ફરતાં તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે ગુજરાતના અન્ય મોટા શહેરો જેવા કે અમદાવાદ, બરોડા અને સુરતમાં રાત્રે 12 વાગ્યા બાદ આવા ન્યુશન્સ પોઈન્ટર ઉપર પોલીસ તવાઈ બોલાવી તેને બંધ કરાવે છે ત્યારે રાજ્યના અન્ય મોટા શહેરોની જેમ રાજકોટમાં પણ આ રીતે પોલીસ કામગીરી કરે તો આવા લુખ્ખા તત્વો કે જેઓ રાતના ગુનાઓને અંજામ આપતાં હોય તેઓને પોલીસનો ભય હોવાથી ગુના ઓછા થઈ શકે.
રાજકોટ શહેરના જાગૃત નાગરિકો દ્વારા અગાઉ પણ નવ મહિના પૂર્વે પોલીસ કમિશ્નરને રજૂઆત કરી અને મોડીરાત્રે ન્યુશન્સ પોઈન્ટ પર પડયા પાથર્યા રહેતા લુખ્ખાઓ અને અસામાજિક તત્વો સામે કડક પગલાં લઈ આવા ન્યુશન્સ પોઈન્ટ રાત્રે 12 વાગ્યા બાદ બંધ કરાવવાની રજૂઆત કરી હતી. ગુનાખોરીને અંકુશમાં લેવા જાગૃત નાગરિકો દ્વારા કરાયેલી રજૂઆત બાદ પોલીસે એકશન લીધા હતાં. જો કે થોડા સમય સુધી શાંત રહેલું રાજકોટ ફરીથી લુખ્ખાઓ અને અસાજિક તત્વોની પ્રવૃતિના કારણે બદનામ થઈ ગયું હતું. શહેરમાં વધી રહેલી ગુનાખોરીને ધ્યાને લઈને પોલીસે હવે ફરી એકશન મોડમાં આવશે અને શહેરનાં અલગ અલગ વિસ્તારોમાં આવા ન્યુશન્સ પોઈન્ટની યાદી તૈયાર કરી લારી ગલ્લા અને હોટલો તેમજ નોનવેજના હાટડાઓ ઉપર પોલીસ તુટી પડશે. રાત્રે 12 વાગ્યા બાદ આવા તમામ ન્યુશન્સ પોઈન્ટને બંધ કરાવવા માટે પોલીસે કમર કસી છે.
સ્થાનિક પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચ, એસઓજી, એલસીબી, પેરોલ ફર્લો સ્કવોર્ડ અને એન્ટી હ્યુમન ટ્રાફીક યુનિટની ટીમને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ સ્થાનિક પોલીસની પીસીઆર વાનને આવા વિસ્તારોમાં પેટ્રોલીંગ કરીને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.
