ભગવાન બિરસા મુંડા વ્યક્તિ નહિ પરંપરા: પીએમ મોદી
દેવમોગરા ધામના દર્શન સાથે 9700 કરોડથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતા વડાપ્રધાન
દેવમોગરા ધામમાં માતાજીની પૂજા-અર્ચના કરી આશીર્વાદ લીધા, આદિજાતિ કલાકારોએ કર્યું પરંપરાગત સ્વાગત
વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં નર્મદામાં જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી, પીએમએ દેવમોગરા ધામના દર્શન કર્યા, ₹7667 કરોડના કેન્દ્રીય પ્રોજેક્ટ્સ સહિત કુલ ₹9779 કરોડના વિકાસકાર્યોની ભેટ. મોદીની ઉપસ્થિતિમાં આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી નાયકોના બલિદાન અને યોગદાનને સન્માન આપવાનો છે, 15 નવેમ્બર 2025ના રોજ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે. વડાપ્રધાન મોદીએ ગુજરાત અને કેન્દ્ર સરકારના કુલ ₹9700 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. કાર્યક્રમની શરૂૂઆતમાં પીએમ નરેન્દ્ર મોદીએ આદિજાતિ સમાજની શ્રદ્ધાના કેન્દ્ર સમાન સાતપુડાની ગિરિમાળાઓમાં આવેલા પ્રસિદ્ધ દેવમોગરા ધામમાં માતાજીની પૂજા-અર્ચના કરીને આશીર્વાદ લીધા હતા. તેમની મુલાકાત દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિજાતિ કલાકારોએ પરંપરાગત વેશભૂષામાં તેમનું સ્વાગત કર્યું હતું.
નર્મદાના ડેડિયાપાડા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વડાપ્રધાને ગુજરાતને વિકાસકાર્યોની મોટી ભેટ આપી.₹7667 કરોડના મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.માર્ગ અને મકાન વિભાગના મોવી-ડેડિયાપાડા રોડ, હાલોલમાં 100 બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, વડોદરાના ખાનપુર ખાતે મલ્ટિએક્ટિવિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વગેરેનો સમાવેશ. વડાપ્રધાને સભાને સંબોધન પણ કર્યું હતું અને ભગવાન બિરસા મુંડાના જીવન પર આધારિત એક વિશેષ નાટ્ય પ્રસ્તુતિનું આયોજન એકતાનગર ખાતે કરવામાં આવ્યું હતું. તેઓએ ભગવાન બિરસા મુંડાને યાદ કરતાં કહ્યું, ધરતી આબા ભગવાન બિરસા મુંડાએ સમાજ માટે જીવન સમર્પિત કર્યું. આ કારણે તેઓ આજે પણ આપણી આસ્થાઓમાં, આપણી ભાવનાઓમાં ઉપસ્થિત છે. આપણાં બધા માટે ધરતી આબા ભગવાન બિરસા એક વ્યક્તિ નહીં પણ એક પરંપરા છે.
સુરતમાં બિહારી સમૂદાય દ્વારા પી.એમ. મોદીનું અભિવાદન
પીએમના ગુજરાત પ્રવાસમાં ફેરફાર કરાયો છે. પીએમ દિલ્હી જતા પહેલા સુરતમાં વસતા બિહારના લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. સાંજે 4 વાગ્યે સુરત એરપોર્ટ બહાર 10થી 15 હજાર લોકોએ પીએમનું સ્વાગત કર્યું હતું. દિલ્હી જતા પહેલા પ્રધાનમંત્રી સુરત એરપોર્ટ પર બિહારના લોકોને મળ્યા હતા. કેન્દ્રીય મંત્રીઓ સીઆર પાટિલ અને હર્ષ સંઘવી પણ પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર હાજર હતા. એવો અંદાજ છે કે બિહાર સાથે સંકળાયેલા આશરે 10,000 થી 15,000 લોકો સ્વાગત કાર્યક્રમમાં હાજરી આપી હતી અને બિહારમાં એનડીએની જીત બદલ વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા હતા.