For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જસદણ પોલીસ મથકમાં લોક દરબાર યોજાયો, છેતરપિંડીમાં ગુમાવેલા નાણા મૂળ માલિકોને પરત કરાયા

11:46 AM Nov 18, 2025 IST | admin
જસદણ પોલીસ મથકમાં લોક દરબાર યોજાયો  છેતરપિંડીમાં ગુમાવેલા નાણા મૂળ માલિકોને પરત કરાયા

જસદણ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના પોલીસ અધિક્ષક (એસપી) વિજયસિંહ ગુર્જર અને ડેપ્યુટી એસપી ઝાલા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અને પ્રજા વચ્ચે સીધો સંવાદ મજબૂત કરવાના હેતુથી આ લોકદરબાર યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા. લોકદરબાર દરમિયાન તેરા તુજકો અર્પણ નામની વિશેષ પહેલ હાથ ધરવામાં આવી હતી. આ પહેલ હેઠળ, પોલીસે વિવિધ ગુનાઓમાં જપ્ત કરેલા મોબાઈલ ફોન અને ઓનલાઈન-ઓફલાઈન છેતરપિંડીમાં ગુમાવેલા નાણાં તેમના મૂળ માલિકોને સન્માનપૂર્વક પરત કર્યા હતા. ગુમ થયેલી મિલકત પાછી મળતા નાગરિકોમાં ખુશી જોવા મળી હતી અને પોલીસના આ કાર્યની પ્રશંસા થઈ હતી.

Advertisement

જસદણ શહેરના સામાજિક, શૈક્ષણિક, વેપારી, રાજકીય અને યુવાન વર્ગના અનેક લોકોએ એસપી સમક્ષ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા. ટ્રાફિક સમસ્યાઓ, જાહેર સુરક્ષા, ચોરીના બનાવો, મહિલા સુરક્ષા, માર્ગ પ્રકાશ અને કાયદો-વ્યવસ્થા સંબંધિત મુદ્દાઓ પર નાગરિકોને તેમની રજૂઆતો કરવાની તક મળી હતી. એસપી વિજયસિંહ ગુર્જરે દરેક રજૂઆતને ગંભીરતાથી સાંભળી હતી. તેમણે ઘણી બાબતો અંગે તાત્કાલિક નિર્દેશો આપી સ્થળ પર જ નિરાકરણ કરાવ્યું હતું. બાકીની રજૂઆતોને પણ યોગ્ય પોલીસ કાર્યવાહી હેઠળ ઝડપથી ઉકેલવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

લોકદરબારના સમાપ્તિ બાદ, એસપી દ્વારા જસદણ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું. તેમણે પોલીસ સ્ટાફની હાજરી, સ્ટેશનની વ્યવસ્થા, રેકોર્ડ, હથિયારોનું નિરીક્ષણ, સુરક્ષા વ્યવસ્થા, તાલીમ અને તપાસની ગુણવત્તા સહિતના મુદ્દાઓની વિગતવાર તપાસ કરી હતી. તેમણે પોલીસ સ્ટાફને વધુ જનમૈત્રીપૂર્ણ સેવા આપવા માટે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને કારણે નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. લોકદરબારમાં મળેલો સકારાત્મક પ્રતિસાદ પોલીસ અને પ્રજાના સંબંધોને વધુ સુદ્રઢ બનાવવાનો ઉત્તમ પ્રયાસ ગણાયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement