ગોમટામાં તીડના ટોળાનો આતંક, 400 વિઘાનો પાક સાફ થવાનો ભય
રાજકોટ જિલ્લામાં ગોંડલ તાલુકાના ગોમટા ગામમાં તિડનો આતંક શરૂૂ થયો છે. ગામની આશરે 400 વિઘા જમીનમાં ઊભા પાકને નુકશાની ની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો સંકટમાં મુકાયા છે. તિડનું ટોળુ ગમે ત્યારે ઊભા પાક પર ત્રાટકી આખું ખેતર સાફ કરી શકે છે. રાજકોટ જિલ્લામાં ગોંડલ તાલુકાના ગોમતા ગામે તીડના ટોળા જોવા મળી રહ્યા છે. ગામની સીમમાં વીડી વિસ્તારમાં હજારો તીડના ટોળા જોવા મળ્યા છે. હાલ આ તીડ ફોરેસ્ટ ખાતાની વીડી માં ઊગેલું ઘાસ ખાઈને પૂરું કરી રહ્યું છે ત્યારે આજુ બાજુ ની આશરે 400 વિઘા જમીનમાં ઊભા પાક પર ખતરો તોળાઇ રહ્યો છે.
આ અંગે ખેડૂતોએ ગ્રામ સેવક, તલાટી મંત્રી, મામલતદાર, ખેતીવાડી અધિકારી અને સ્થાનિક ધારાસભ્ય ને પણ તાત્કાલિક મદદ માટે વિનંતી કરી છે પરંતુ ગ્રામ સેવક સિવાય હજુ સુધી કોઈ અધિકારી સ્થળ ડોકાયા નથી. ફોરેસ્ટ ખાતાની વીડીમાં હાલ આ તીડ હોવાથી ગ્રામજનોએ જાણ કરી હતી. ફોરેસ્ટ ખાતાએ ફોન પર જ જણાવી દીધું છે કે કોઈ પ્રકારની દવા છંટકાવ કરવો નહિ. જેના પગલે ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ છે.