રજપૂતપરામાં એક સાથે 10 ઓફિસના તાળાં તૂટ્યા
- રૂા. 1900ની રોકડની ચોરી : સીસીટીવી ફૂટેજમાં એક બુકાનીધારી શખ્સ દેખાયો
શહેરના રજપૂતપરા મેઈન રોડ પર આવેલા જય ખોડીયાર ચેમ્બર્સમાં ત્રીજા માળ સહિત અનેક ઓફિસોને નિશાન બનાવી તસ્કરો રૂૂા. 1900ની મત્તા ચોરી ગયાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
વધુ વિગતો મુજબ,રેલનગરમાં સાધુ વાસવાણી કુંજ રોડ પર શિવાલય ચોક નજીક સ્ટાર રેસીડેન્સીમાં રહેતા અને જય ખોડીયાર ચેમ્બર્સમાં ત્રીજા માળે ઓફિસ ધરાવતા વકીલ રાજેશભાઈ રાયધનભાઈ જળુ (ઉ.વ.42)ની ફરિયાદ પરથી પોલીસે ગુનો દાખલ કર્યો છે. પોલીસે જણાવ્યું કે તસ્કરો તેની ઓફિસમાંથી મંદિરમાં રાખેલા રૂૂા. 500ની રોકડ ઉપરાંત ઓફિસ નં.310માં વન પાર્ટ હોમ એપલાઈસીંસ નામે ઓફિસ ધરાવતા અજયભાઈ ચૌહાણની ઓફિસમાંથી રૂૂા.1000ની રોકડ,221માં લો બૂક એજન્સી નામે ઓફિસ ધરાવતા ભગવાનસિંહ ચૌહાણની ઓફિસમાંથી રૂૂા.400 મળી કુલ રૂૂા.1900ની મત્તા ચોરી ગયા હતા.
આ ઉપરાંત ત્યાં આવેલી 312 નંબરની ઓફીસમાં સોની કોમ્પ્યુટર નામે ઓફિસ ધરાવતાં ભાવિનભાઈ ઝીંઝુવાડીયા અને અન્યની ઓફિસમાં તાળા તોડી તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો.આ બનાવની ફરિયાદ પરથી પીએસઆઈ પી.કે.ગામીત તપાસ ચલાવી રહ્યા છે. આ બનાવ અંગે એડવોકેટ રાજેશભાઈએ જણાવ્યું હતું કે, પાંચ ઓફિસમાં તાળા તુટ્યાની ફરિયાદ નોંધાવી હતી ત્યાર બાદ આજે સવારે જ્યારે અમુક લોકો પોતાની ઓફિસે પહોંચ્યા ત્યારે તે ઓફિસમાં પણ સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હોય જેથી અન્ય પાંચ ઓફિસમાં પણ ચોરીનો પ્રયાસ થયાનું જાણવા મળી રહ્યું છે. તેમજ સીસીટીવી ફૂટેજમાં જોતા એક વ્યક્તિ બુકાનીબાંધી આંટાફેરા કરતો જોવા મળ્યો હતો.