વાણિયાવાડીમાં શિવમંદિરના ડિમોલિશન સામે સ્થાનિકોનો મોરચો
મનપાના ટીપી વિભાગે વોર્ડ-14 અને 17માં 12 ગેરકાયદેસર બાંધકામોના દબાણો દૂર કરી રૂા. 6.92 કરોડની જમીન ખુલ્લી કરાવી
મહાનગરપાલિકા દ્વારા કોર્ટના આદેશ બાદ ટીપી રોડ ઉપર નડતરરૂપ તેમજ મનપાના અલગ અલગ હેતુના પ્લોટ ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજરોજ વોર્ડ નં. 14 અને વોર્ડ નં. 17માં ગેરકાયદેસર બાંધકામની સાથો સાથ વાણિયાવાડી વિસ્તારમાં શિવમંદિરનું બાંધકામ તોડી નાખવાની કામગીરી દરમિયાન સ્થાનિકો દ્વારા ભારે વિરોધ કરી શિવજીની મુર્તિ કોર્પોરેશન વાળા લઈ ગયાના આક્ષેપ કર્યા હતાં.
મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આજરોજ વોર્ડ નં. 14માં અનામત પ્લોટ ઉપર થયેલ કાચા-પાકા મકાનોની સાથો સાથ શિવમંદિરમાથી મુર્તિ બહાર કાઢી મંદીરનું ડિમોલેશન કરાતા આજીબાજુના સ્થાનિકોએ તેનો ભારે વિરોધ કર્યો હતો. છતાં તંત્ર દ્વારા કોર્ટની સૂચના અનવયે અનામત પ્લોટ પરના બાંધકામો તોડી પાડ્યા હતાં. આજદે સવારથી ટાઉન પ્લાનીંગ વિભાગની ટીમ વોર્ડ નં. 14માં અનામત પ્લોટ નંબર 231 ફાયર સ્ટેશન માટે ફાળવામાં આવેલ પ્લોટ ઉપર તથા ંબાજુના 9 મીટરના ડીપી રોડ ઉપર થયેલા ગેરકાયદેસર કાચા-પાકા મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે આ વિસ્તારના રોડ ઉપર કપાતમાં આવતા એક મંદિરનું પણ ડિમોલેશન કરવામાં આવેલ જેનો ભારે વિરોધ થયાનું જાણવા મળેલ છે.
મનપાની ટીપી શાખા દ્વારા આજે વોર્ડ નં. 14માં કાચા-પાકા મકાનોનું ડિમોલેશન કરી રૂા. 3.75 કરોડની 500 ચો.મી. જમીન ખુલ્લી કરાવી હતી. તેવી જ રીતે વોર્ડ નં. 17માં અનામત પ્લોટ નં. 51 જે ગાર્ડન હેતુ માટે ફાળવવામાં આવેલ તેના પર થયેલા કાચા-પાકા મકાનોનું ડિમોલેશન કરી રૂા. 3 કરોડની 300 ચો.મી. જગ્યા ખુલી કરાવી હતી. તેમજ સહકાર સોસાયટી મેઈન રોડ ઉપર અનામત પ્લોટ ઉપર થયેલ કાચા મકાનનું બાંધકામ દૂર કરી રૂા. 17.50 લાખની 35 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવઈ હતી અને હસનવાડી મેઈન રોડ પર આવેલ ખાનગી પ્લોટમાં દબાણ કરવામાં આવેલ પતરાની કેબીન સહિતના દબાણો દૂર કરવામાં આવેલ આમ આજરોજ સેન્ટ્રલઝોનમાં વોર્ડ નં. 14 તથા વોર્ડ નં. 17માં અનામત પ્લોટ નંબર 231 તથા 51માં થયેલા 12 જેટલા ગેરકાયદેસર કાચા પાકા મકાનો અને દુકાનો તથા મંદિરનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડી ટીપી રોડ ખુલ્લો કરવામા આવ્યો હતો.
આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા (સેન્ટ્રલઝોન)ના તમામ સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ હતાં.
મેગા ડિમોલિશનનો ધમધમાટ શરૂ
મહાનગરપાલિકા દ્વારા કોર્ટની સૂચના અનવયે ધાર્મિક સ્થળો સહિતના દબાણો હટાવવાની કાર્યાહી શરૂ કરી છે. છેલ્લા એક માસ દરમિયાન અનેક ગેરકાયદેસર બાંધકામોની સાથો સાથ ધાર્મિક દબાણો પણ દુર કરવામાં આવ્યા છે. ત્યારે આગામી દિવસોમાં અગાઉ તૈયાર થયેલ લિસ્ટ મુજબ શહેરના અલગ અલગ વિસ્તારો અને નદીકાંઠાના મોટાભાગના વિસ્તારોમાં મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરાશે. જેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.