કોરોનાનું લોકલ સંક્રમણ વધ્યું: દર ત્રણ કલાકે નવો કેસ
વોર્ડ નં. 8માં 5 સાથે આજે નવા 8 પોઝિટિવ કેસ, એક્ટિવ કેસનો આંકડો 28એ પહોંચ્યો
ટ્રાવેલિંગ કર્યા વગર તમામ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્રની ચિંતા વધી
રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ગઈકાલથી શરૂ થયેલા પોઝેટીવ કેસના આંકડા મુજબ આજ સુધીમાં દર ત્રણ કલાકે એક પોઝેટીવ દર્દી નોંધાઈ રહ્યો છે. જેમાં ખાસ કરીને હવે કોરોનાનું લોકલ સંક્રમણ વધવા લાગ્યું હોય તેમ આજનો એક પણ કેસ ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવતો ન હોય શહેરમાં આ ચેપી રોગ ફેલાવાનું શરૂ થતાં આરોગ્ય વિભાગે કોરોનાની ગાઈડલાઈન મુજબના તમામ પ્રકારના વધુ કડક પગલા લેવાનો પ્રારંભ કર્યો છે.
ગઈકાલે 8 બાદ આજે વધુ 8 નવા પોઝીટીવ કેસ નોંધાતા શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 28 પર પહોંચી છે. જે તમામ હાલ સારવાર હેઠળ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
શહેરમાં ગત કોરોનાની માફક હવે લોકલ સંક્રમણ વધવા લાગ્યું હોય તેમ આજે આવેલા નવા 8 પોઝીટીવ કેસની ટ્રાવેલ્સ હિસ્ટ્રી ન હોવાથી શહેરમાં કોરોનાનો ચેપ વધવા લાગ્યો હોવાનું જણાઈ રહ્યું છે. આજે વધુ નવા 8 કેસ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. જેમાં વોર્ડ નં. 8માં એક સાથે પાંચ પોઝીટીવ કેસ આવ્યા છે. સુરજ પાર્ક સ્ત્રી ઉ.વ.26 તથા જય રેસીડેન્સી પુરુષ ઉ.વ.27, જીવરાજપાર્ક્ર પુરુષ ઉ.વ.51, અંબીકા પાર્ક પુરુષ ઉ.વ.70 અને વિદ્યાકુંજ સોસાયટી મહિલા ઉ.વ.51 સહિત એકવોર્ડમાં પાંચ નવા પોઝીટીવ કેસ નોંધાયા છે.
જ્યારે વોર્ડ નં. 3 માં મહિલા ઉ.વ.50, વોર્ડ નં. 17માં દામજી મેપા શેરીમાં મહિલા ઉ.વ.55 અને વોર્ડ 2માં તક્સશીલા સોસાયટીમાં પુરુષ ઉ.વ.76 સહિત 8 કેસ નોંધાયા છે. આ તમામે ડોઝ લઈ લીધાનું જાણવા મળેલ છે. તેમજ એક પણ દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી ન હોય લોકલ સંર્કમણના કારણે કોરોનાગ્રસ્ત બન્યા હોવાનું બહાર આવ્યું છે. આથી તમામને હોમ આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. આજના વધુ 8 કેસના કારણે એક્ટિવકેસની સંખ્યા 28 પર પહોંચી છે. જ્યારે ચાર દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.
અત્યાર સુધીના કેસની તવારીખ
શહેરમાં તા. 19ના રોજ પ્રથમ કોરોનાનો કેસ નોંધાયો હતો. ત્યાર બાદ તા. 24ના રોજ બે નવા કેસ જેમાં બે પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે તા. 26ના રોજ શિવાજી પાર્કમાં એક કેસ નોંધાયો હતો. ત્યાર બાદ તા. 27ના રોજ જુદા જુદા વિસ્તારમાંથી છ નવા પોઝીટીવ કેસ આવ્યા હતાં. અને તા. 28ના રોજ વધુ પાંચ કેસ તેમજ ગઈકાલે 8 પોઝીટીવ આવ્યા બાદ આજે બપોર સુધીમાં વધુ 8 કેસ નોંધાતા અત્યાર સુધીમાં 32 કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જે પૈકી ચાર દર્દી સાજા થતાં તેમને રજા અપાયેલ હોય હાલ 28 દર્દીને હોમઆઈસોલેટ કરી સારવાર આપવામાં આવી છે.
સાવચેતી રાખવા અનુરોધ
રાજકોટમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળતા આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના તમામ જરૂૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. પોઝિટિવ આવેલા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે અને તેમને પણ ક્વોરન્ટીન કરવા અથવા ટેસ્ટ કરાવવા સૂચના આપવામાં આવી રહી છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે લોકોએ પણ સાવચેતી રાખવી અનિવાર્ય છે. આરોગ્ય નિષ્ણાતોએ નાગરિકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા, વારંવાર હાથ ધોવા અને બિનજરૂૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. ખાસ કરીને સિનિયર સિટીઝન્સ, બાળકો અને અન્ય રોગોથી પીડાતા લોકોએ વધુ સાવચેતી રાખવી જરૂરી છે. તાવ, શરદી, ઉધરસ જેવા કોઈપણ લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા અને ટેસ્ટ કરાવવા પણ જણાવવામાં આવ્યું છે.