ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ફેબ્રુઆરી સુધી મુલત્વી
મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની અસર ચૂંટણીઓ પર પડશે, 15 મનપા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી પાછી ઠેલવાઈ
ગુજરાતમાં 7મી ફેબ્રુઆરી 2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ થશે
સમગ્ર દેશમાં પારદર્શક અને સ્વચ્છ મતદાર યાદી તૈયાર કરવાના લક્ષ્ય સાથે ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશના 12 રાજ્યોને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે વર્ષના અંતમાં યોજાનાર મહાનગરપાલિકાની અને પંચાયતની ચૂંટણીઓ ફેબ્રુઆરી સુધી મુલતવી રહી શકે છે. કારણ કે 7મી ફેબ્રુઆરી સુધી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ ચાલુ રહેશે.
આજથી ગુજરાત સહિતના 12 રાજ્યોમાં મતદાર યાદીની સુધારણા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા અલગ અલગ તબક્કામાં રાજ્યભરમાં 7મી ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. જેના કારણે રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર મનપા અને પંચાયતની ચૂંટણીઓ પર અસર પડશે. થોડા સમય પહેલા 14 વર્ષ બાદ ગુજરાતને નવી મહાનગરપાલિકાઓ મળી છે. જેમાં મોરબી, નવસારી, સુરેન્દ્રનગર સહિત 9 મનપા મળી છે.
તેમજ રાજ્યમાં છ જુની એમ કુલ 15 મહાનગરપાલિકાઓની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવાની હતી. જેની તૈયારીઓ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે આ ખાસ મતદાર સુધારણા ઝુંબેશના કારણે આ ચૂંટણી બે મહિના મોડી યોજાઈ તેવી શકયતાઓ ઉભી થઈ છે. તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પણ વર્ષ 2026ની શરૂઆતમાં યોજાવાની શકયતા સેવાઈ રહી હતી. કારણ કે એસ.આઈ.આર.ના આધારે મતદાર યાદી જાહેર થયા પછી જ પંચાયતોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે આ ખાસ ઝુંબેશની પ્રક્રિયા ફેબ્રુઆરીના બીજા વીકમાં પૂર્ણ થશે અને ત્યારબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પ્રક્રિયા હાથ પર લેવામાં આવશે.
રાજ્યમાં ઘણી મનપા અને પંચાયતમાં પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા છતાં ચૂંટણીઓ મુલતવીઓ રાખવી પડશે. આ ચૂંટણીને લઈને પંચાયત અને મ્યુનિસિપલ વિભાગ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ આજથી શરૂ થતી મતદાર યાદી સુધારણવા ઝુંબેશના કારણે હવે આ ચૂંટણીઓ 7 ફેબ્રુઆરી પછી યોજાય તેવું જોવા મળી રહ્યું છે. ચૂંટણી પંચ સુધારણા કાર્યક્રમ 4 ડિસેમ્બરે પૂર્ણ થશે અને 9મી ડિસેમ્બરે ડ્રાફટ મતદાર યાદી જારી કર્યા બાદ ચૂંટણી પંચ 7મી ફેબ્રુઆરીના રોજ અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરશે અને ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ શકે છે.
SIRમાં ક્યારે શું થશે
પ્રિન્ટિંગ અને તાલિમ: 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર
દરેક ઘરે જઈ ગણતરીનો તબક્કો: ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર
ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરાશે: આઠ ડિસેમ્બર
દાવા અને વાંધા રજૂ કરવાનો સમયગાળો: નવ જાન્યુઆરીથી આઠ જાન્યુઆરી, 2026
નોટિસનો તબક્કો: નવ ડિસેમ્બરથી 31 જાન્યુઆરી, 2026
અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરાશે: સાત ફેબ્રુઆરી, 2026
ગુજરાતમાં ફેર મતદાર યાદી એક વર્ષ માટે મુલત્વી રાખો: અમીત ચાવડા
ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમીત ચાવડાએ ચૂંટણી પંચ દ્વારા નવી મતદાર યાદી માટે ગુજરાતને પણ પસંદ કરવાનો નિણર્ય લીધો છે તેને એક વર્ષ માટે મુલત્વી રાખવાની માંગ કરી છે. અમીત ચાવડાએ જણાવ્યું હતું કે આગામી મહિનામાં મહાનગરપાલિકાની તેમજ પંચાયતની ચૂંટણી નજીક છે ત્યારે કોઈ ચૌક્કસ મીશન અને ઉદેશ સાથે ગુજરાત પણ 12 રાજ્યોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે જે યોગ્ય નથી. ચૂંટણી પંચે ગુજરાતને એ પ્રક્રિયામાંથી આ વર્ષ માટે બાદ રાખવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. હવે ચૂંટણી પંચ કહે છે કે વિદેશી ઘુસપેશીઓ વધી ગય છે. અને મતદારો બની ગયા છે. તો રાજ્યમાં 30 વર્ષીત અને કેન્દ્રમાં 11 વર્ષથી ભાજપની સરકાર છે તો કેમ એ લોકોને દેખાયા નહીં..